Aarti Machhi, Bharuch: અંકલેશ્વર નર્મદા નદી કિનારે અનેક ઋષિમુનિઓએ તપ કર્યા હતા. તેથી જ તપોભૂમિ એવા અંકલેશ્વર ખાતે અનેક ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવું જ એક તીર્થ સ્થળ અંકલેશ્વરના નૌગા ગામ સ્થિત રોકડિયા હનુમાન મંદિર આવેલુ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ ખાતે રોકડિયા હનુમાન મંદિર આવેલું છે.
આ સ્થળે નાગના વસવાટને લઇ નાગાતીર્થ નામ પડયુ છે.પાવન સલિલામા નર્મદા કિનારે આવેલા તીર્થ અંગે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગા તીર્થ એટલે કે નૌગામ રોકડીયા હનુમાનજી શંકર ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન શિવના પરમ ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગ મંદિર સ્થિત તપ કરતા હતા.
સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવના ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગે આ સ્થળે તપ કર્યું
એમ પણ કહેવાય છે કે, સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવના ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગે આ સ્થળે તપ કર્યું હતું. આ પાછળ એક કથા એવી પણ રહેલી છે કે, એક સમય પર સૃષ્ટિ પર તમામ વિષધરના નાશ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
તે સમયે શંકર ભગવાને પોતાના પરમ ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગની તપસ્યા ભંગ ન થાય અને તેની રક્ષા કરવા માટે રૂદ્ર અવતાર એવા ભગવાન હનુમાનજીને મોકલ્યા હતા. મહાભારત કાળમાં પણ આ કથાની પુષ્ટિ હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ત્યારબાદ ભગવાન હનુમાનજી આ સ્થળે ઢુંઢુંમ્બર નાગ સાથે બિરાજમાન થયા હતા. ત્યારથી આ સ્થળ રોકડીયા હનુમાનજી તરીકે પ્રચલિત બન્યુ છે.
રામાયણ સમયમાં તરતો પથ્થર પણ અહી છે
નાગા તીર્થએ નૌગામા ગામના નામ સાથે પણ જોડાયેલું છે. આ મંદિરની સાથે જ બાજુમાં જ શનિદેવનું મંદિર પણ આવેલું છે. જ્યાં ભક્તો દર્શન કરી અહીંયા પનોતી ઉતારે છે. મંદિરમાં હાલ ભગવાન શિવ ચંદ્રમોલેશ્વર તરીકે બિરાજમાન છે. રામાયણ સમયમાં તરતો પથ્થર કે જેના પર ભગવાન રામનું નામ લખતા હતા તે પણ અહીં છે.
હનુમાન જયંતીના દિવસે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
હનુમાન જયંતીના દિવસે અહીં ભકતોનું ઘોડાપુર ઉમટી પડે છે. હનુમાન જયંતિના દિવસે અહીં લોકડાયરા સહિત ભંડારાનું આયોજન કરવામાં આવે છે. 25 થી 30 હજાર ભક્તો હનુમાન જયંતીના દિવસે અહીં દર્શનાર્થે આવે છે. તેમજ દર શનિવારે પાંચથી દસ હજાર લોકોની અહીં ભીડ ઉમટી પડે છે. નર્મદા પરિક્રમાવાસીઓ પણ અહીંયા હનુમાનજીના દર્શનાર્થે આવે છે. મંદિરના સેવકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે
નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિના મૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા
પ્રસાદીની સેવા આપતા બાલુભાઈએ જણાવ્યું હતુ કે, નૌગામા ગામ ખાતે આવેલા રોકડીયા હનુમાનજીનો ઘણો મહિમા રહેલો છે. ઓછામાં ઓછા 100થી સવાસો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર છે. નર્મદા પરિક્રમાવાસીઓ માટે મંદિરના સેવકો દ્વારા સવાર સાંજ બે સમય જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. અને અહીં લોકોનું દાન પણ સારું આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર