Aarti Machhi, Bharuch: અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અત્યંત પૌરાણિક સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા. લોક કલ્યાણ માટે માતાજીને અહીં બિરાજમાન થવા જણાવ્યુ હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સિધ્ધેશ્વરી માતા અહીં બિરાજમાન થયા હતા. વર્ષો પહેલા ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી મા નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
મંદિરના પટાંગણમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર
સિદ્ધેશ્વરી માતાજી મંદિર સ્થિત 52 ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે. આ પૌરાણિક મંદિર અંદાજીત 700 વર્ષ કરતા પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં 37 વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરાયુ છે. જેની સ્થાપના 11 માર્ચ 1989 માં કરવામાં આવી હતી.
મંદિરના પટાંગણમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત 21 દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. એમ પણ કહેવાય છે કે, સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસે આવેલી આંબલી નીચે ભગવાન સ્વામિનારાયણએ 2 દિવસ 3 રાત્રિનું રોકાણ કરી ગામના લોકોનો આશીર્વાદ આપ્યા હતા.
સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ભાતીગળ મેળાનું આયોજન
અંકલેશ્વર સ્થિત ગડખોલ ગામમાં પ્રાચીન યાત્રાધામ પૈકી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે.આદિ-અનાદિ કાળથી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આસો સુદ આઠમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
ચૈત્રવદ આઠમના દિવસે પણ નવચંડીના ભવ્ય યજ્ઞનું આયોજન કરાય છે.તો ભંડારો પણ યોજાય છે.તેમાં 6 હજારથી વધુ લોકોની રસોઈ બનાવવમાં આવે છે. જે મુખ્યત્વે અહીંની આગવી ઓળખ સમાન છે. પ્રતિ વર્ષ નવરાત્રિ પર્વ દરમિયાન આ સિદ્ધેશ્વરી મંદિરે લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. રાત્રીના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબા સહિતનું આયોજન કરવામાં આવે છે. ગ્રામજનો અને ભક્તો ગરબે ઘૂમી ધન્યતા અનુભવે છે.
માતાજીના દર્શન કરવાથી ધન, પુત્ર પ્રાપ્તિ થતા હોવાની માન્યતા
ગડખોલ ગામના ઉચા ટેકરા પર ચારે તરફ ઉચી દીવાલોની કોટની વચ્ચે આવેલ સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રિમાં દેદીપ્યમાન દીપના પ્રકાશમાં રોશની કરવામાં આવે છે.અષ્ટમી અને ચતુર્દષ્ટિએ અહીં સ્નાન કરી માતાજીના દર્શન કરવાથી ધન તેમજ પુત્ર પ્રાપ્તિ થતા હોવાની માન્યતા રહેલી છે નોમના દિવસે માતાજીની સ્તુતિ ઉપાસના કરી કુવારીકાઓને જમાડવાથી દોષ દૂર થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર