Aarti Machhi, Bharuch: રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા કિશોરી ઉત્કર્ષ પહેલમાં 123 ગામમાંથી ફેઝ વનમાં 58 ગામડાઓનો સમાવેશ કરાયો હતો.
આ ઉત્કર્ષ પહેલ અંર્તગત કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગે તાલીમ મેળવી સ્વ-જાગૃતતા મેળવે અને મહત્તમ કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરૂદ મેળવે એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર,
ભરૂચ દ્રારા નવતર પ્રયાસ સ્વરૂપે કિશોરી ઉત્કર્ષ પહેલની અમલીકરણની પ્રક્રિયાનું સુચારું આયોજન કરી રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે નવતર પહેલનો પ્રારંભ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને છોડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ આ કિશોરી ઉત્કર્ષ પહેલ વર્ષ 2022-25ના પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે
જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ ઉત્કર્ષ પહેલની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપણા સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ગ્રામીણ વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે.
ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી છે.
કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવે તેઓનું સન્માન કરાશે
આ તાલીમ બાદ ગ્રામપંચાયત, તાલુકાદીઠ કલસ્ટર અનુસાર જે કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવે તેમને સરકારી તમામ પ્રોગ્રામમાં સ્ટેટ ઉપર અગ્ર હરોળમાં સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવશે. આ જ આદર્શ કિશોરીઓ સમય જતાં સ્ત્રીસશક્તિરણમાં અભિન્ન ફાળો આપશે. અને પોતાના ગામમાં, સમાજમાં પોતાના જેવી અન્ય આદર્શ કિશોરી સ્થાન મેળવશે.
દરેક ગામમાં આદર્શ કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયો તમામ માહિતી હશે. ભવિષ્યમાં આ તાલિમ થકી તંદુરસ્ત કીશોરી, તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળકની માતા બનશે. જે થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. આ જ આદર્શ કિશોરીઓ સત્તામાં આવે તો સ્ત્રીસશક્તિરણનો હેતુ સિધ્ધ થશે.
News18ગુજરાતી
અભિયાનમાં જિલ્લા વહીવટીતંત્રના સહભાગી વિભાગો જેવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, આઇસીડીએસ તેમજ ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન, સીએસઆરબૉક્સ, યુનિસેફ, અરસપરસ્પર સુસંકલિત થઈને સહયારા પ્રયાસથી કામગીરી કરશે.
કિશોરીઓને આવનારા સમયે જુદા જુદા વિષયો પર તાલીમ અપાશે
પ્રથમ તબક્કામાં તાલીમ પામેલા શિક્ષકો, અમલીકરણ સંસ્થાના કાર્યકરો અને અન્ય સહભાગીઓ સુસંકલિત થઈને સ્વૈચ્છિક રીતે કિશોરીઓને આવનારા સમયે જુદા જુદા વિષયો પર તાલીમ પૂરી પાડશે. કિશોરી ઉત્કર્ષ પહેલના પ્રયોગ થકી જોડાનાર તમામ કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયો અંગેની ગુણાત્મક તાલીમ થકી સ્વ-જાગૃતતા મેળવી સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિયપણે વિવિધ ભૂમિકા અદા કરવા સક્ષમ.
અને ગતિશીલ બને તથા વિવિધ સંગઠનો રચી ભાવિપેઢી માટે એક અનોખુ દ્રંષ્ટાત બની રહે તે માટે આ પહેલનો પાયો નાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષી, આસિસ્ટન કલેકેટર, ડીસીએમરામ ફાઉન્ડેશન, સીએસઆરબૉક્સ યુનિસેફ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પંચાયત, ભરૂચની આરોગ્ય શાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, આઇસીડીએસ શાખાના અધિકારીઓ, કિશોરીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર