Aarti Machhi, Bharuch: આદિકાળથી માટીના વાસણોમાં ભોજન બનાવવામાં આવતું હતું.જે શરીર માટે ઉત્તમ અને ગુણકારી માનવામાં આવતું હતું. જ્યારે પાણી માટે માટલા, કુલ્લી અને ઢોચકીમાં ઉનાળાના સમયે પાણી રાખવાથી ઠંડુ રહેતું હતું. કોડિયા થકી દિવા કે અજવાના માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
માટીના વાસણોનો વર્ષોથી પ્રજાપતિ,કુંભાર સમાજ વ્યવસાય સાથે સંકળાયો
સામાન્ય રીતે વર્ષોથી પ્રજાપતિ,કુંભાર સમાજ માટીના વાસણો બનાવતા હતા. વાસણો તૈયાર કર્યા બાદ ગામડે-ગામડે વેચાણ કરવામાં આવતા હતા.પ્રજાપતિ સમાજના સભ્યો ગામડે-ગામડે વસવાટ કરી ઘરે માટીમાંથી સ્થાનિક લોકોને જરૂર પડે તેવા માટીના વાસણો બનાવી વેચાણ કરતા હતા.
આધુનિક જમાનામાં માટીના વાસણોનો વેપાર મરણ પથારીએ
આધુનિક ક્રાંતિને લઈ માટીના વાસણોની જગ્યા સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણોએ લેતા વર્ષોથી જે માટીના વાસણો બનાવી લોકોના સ્વસ્થ્ય માટે ઉત્તમ કહી શકાય તેવા માટીના વાસણોનો વ્યાપાર કરતા કુંભાર, પ્રજાપતિ સમાજનો વેપાર બંધ થવા આરે આવી ગયો છે. પરંતુ આજે પણ પોતાના સમાજની આગવી કળાને કેટલાક સભ્યોએ સાચવી રાખી છે.
અંકલેશ્વરનું સુથાર ફળિયું એક જમાનામાં માટીના વાસણો માટે જાણીતું હતું
અંકલેશ્વરના સુથાર ફળિયામાં એક જમાનામાં માટીના વાસણો જેવા કે છાસ વલોવવાની ગોળી, માટલા, કુલ્લી, કોડિયા અને ઢોચકી તેમજ માટીની ડોણી,તોની સહિતના વાસણો માટે જાણીતું હતું.
પરંતુ સમય જતાં માટીના વાસણોની માંગ નહિવત થતા આ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજના સભ્યો તૈયાર માટીના વાસણોનું વેચાણ કરતા થયા છે.
સાસુ-પુત્રવધુ તૈયાર માટીના વાસણોને સુશોભિત કરી વેપાર કરી ગુજરાન ચલાવે છે
સુથાર ફળિયામાં રહેતા લલ્લુબેન ઠાકોરભાઈ પ્રજાપતિ 70 વર્ષ પહેલાં સાસરીમાં આવ્યા હતા, ત્યારે તેઓના સસરા માટીના વાસણો બનાવી વ્યવસાય કરતા હતા. જે બાદ તેઓના પતિ ઠાકોરભાઈ પ્રજાપતિ માટીના વિવિધ પ્રકારના વાસણો બનાવતા હતા. આજે લલ્લુબેનના પુત્રવધુ તૈયાર માટીના વાસણો લઈ આવી પેઇન્ટિંગ કરી સુશોભિત કરેલ વાસણોનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
News18ગુજરાતી
હિન્દૂ તહેવાર અને ઉનાળામાં માટલા સહિતના વાસણોની માંગ જોવા મળે છે
હિન્દૂ તહેવાર જેવા કે ગોકુળ અષ્ટમી, દિવાળી અને ઉનાળાના સમયમાં માટલાનું વેચાણ થાય છે. સાથે ફ્રીજના જમાનામાં કુદરતી ફ્રીજ એવા માટીના માટલાની માંગ ઘટી હોવાનું જણાવ્યું હતું. લલ્લુબેન પ્રજાપતિ અને તેઓનો પરિવાર આજે પણ પોતાના બાપ-દાદાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર