મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ભાવનગર ખાતે આયોજિત સમારોહમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ તરસમીયા ખાતેના શેત્રુંજય રેસીડેન્સીના 1472 આવાસોનું લોકાર્પણ તથા ડ્રો, વર્ધમાનનગર-આદર્શનગર ખાતે રી-ડેવલપમેન્ટ થયેલ 420 જેટલા આવાસોનું લોકાર્પણ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ ₹310 કરોડના જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને પુનઃનિર્મિત આવાસ હેઠળ પ્રતીકાત્મક ચાવી લાભાર્થીઓને અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ક્વોલિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકાર શહેરી અને ગ્રામ્ય સ્તરે નાગરિકોને પાયાની જરૂરિયાતો પૂરી પાડી રહી છે. તેમણે ધોલેરા અને સાણંદમાં નિર્માણ થઇ રહેલ સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ પ્લાન્ટથી આવનાર દિવસોમાં થનાર પ્રગતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. સૌને સ્વચ્છતા જાળવવા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક મુક્તિ દ્વારા પર્યાવરણ જતન માટેનું આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ ‘લિવિંગ વેલ, અર્નિંગ વેલ’ના સંકલ્પ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh