Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:10 am

LATEST NEWS
Lifestyle

રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત નાગરીકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કેશડોલ્સ ચૂકવાઈ ; ઘરવખરી અને કપડા તથા મૃતકોના પરિવારોને સહાય .

રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત નાગરીકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કેશડોલ્સ ચૂકવાઈ ; ઘરવખરી અને કપડા તથા મૃતકોના પરિવારોને સહાય .
Facebook
Twitter
WhatsApp
Email
રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત નાગરીકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કેશડોલ્સ ચૂકવાઈ ; ઘરવખરી અને કપડા તથા મૃતકોના પરિવારોને સહાય .
રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રૂ. ૮.૦૪ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ
ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં ૫૦,૧૧૧ પરિવારોને રૂ. ૨૦.૦૭ કરોડથી વધુ રકમનું ચૂકવણું કરાયું: રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે
• ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવાઈ
• કુલ ૨,૬૧૮ મૃત પશુઓના માલિકોને કુલ રૂ. ૧.૭૮ કરોડની સહાય અપાઈ
• આંશિક/સંપૂર્ણ નુકશાન પામેલા ૪,૬૭૩ મકાન-ઝુંપડા માલિકોને અપાઈ રૂ. ૩.૬૭ કરોડ સહાય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય તે અંગે જિલ્લા કલેકટરોને દિશાનિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશોના પગલે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે.
તદઅનુસાર, વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. ૩ સપ્ટેમ્બર સુધીમાં ૧,૬૯,૫૬૧ વ્યક્તિઓને કુલ રૂ. ૮.૦૪ કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે.
એટલું જ નહિ, જે પરિવારોની ઘરવખરી-કપડાં વગેરે પાણીમાં તણાઈ જવાથી કે નુકસાન થવાથી નાશ પામ્યા છે, તેવા પરિવારોની સરવે કામગીરી ૧૧૬૦ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ જિલ્લાઓના આવા ૫૦,૧૧૧ પરિવારોને કુલ રૂ. ૨૦.૦૭ કરોડથી વધુ રકમ ઘરવખરી અને કપડા સહાય પેટે ચૂકવવામાં આવી છે.
વધુ વિગતો આપતા રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું કે, આ સમયગાળા દરમિયાન માનવ મૃત્યુના કિસ્સામાં ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા ૨,૬૧૮ પશુઓના માલિકોને કુલ રૂ. ૧.૭૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાચા મકાનો, પાકા મકાનો, આંશિક અને સંપૂર્ણ નુકશાન પામેલા મકાન અને ઝુંપડાનો પણ સરવે હાથ ધરીને અત્યાર સુધીમાં ૪,૬૭૩ મકાન-ઝુંપડા માલિકોને કુલ રૂ. ૩.૬૭ કરોડથી વધુની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં સરવેની કામગીરી પ્રગતિમાં છે અને પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ ઘરવખરી-કપડા સહાય, કેશડોલ્સ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ ઉપરાંત કાચા પાકા મકાનમાં થયેલા નુકશાન માટે વધુ ચૂકવણીની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે, તેમ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ૧૭, SDRFની ૨૭ તેમજ આર્મીની ૦૯ કોલમ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા કુલ ૩૭,૦૫૦ લોકોને રેસ્ક્યુ તેમજ ૪૨,૦૮૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, ૫૩ વ્યક્તિઓને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા.
રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં જનજીવન પૂર્વવત કરવા હાથ ધરાઈ રહેલા પુનર્વસન કાર્યોની વિગતો આપી હતી, જે નીચે મુજબ છે:
• ભારે વરસાદથી રાજ્યમાં અસરગ્રસ્ત કુલ ૨,૨૩૦ કિમી રોડ-રસ્તાનુ સમારકામ આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરીને તમામ રોડને મોટરેબલ કરી દેવામાં આવશે.
• રાજ્યના કુલ ૬,૯૩૧ ગામો અને ૧૭ શહેરોમાં ભારે વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી ૬,૯૨૭ ગામોમાં અને તમામ ૧૭ શહેરોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
• પાણી ભરાવવાથી રાજ્યના કુલ ૮૮ સબ-સ્ટેશન સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા હતા. જેમાંથી ૮૬ સબ-સ્ટેશનો પુનઃ ચાલુ કરવામાં આવ્યા છે.
• શહેરી વિસ્તારોમાં તુટેલા રોડ-રસ્તા રીપેરીંગ કરવા અને વોટર લોગીંગ દૂર કરવા રાત-દિવસ તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. સાથે જ, સફાઇ અભિયાન હાથ ધરી જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
• રોડ મરામત સહિતની કામગીર માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સડક યોજના હેઠળ મ્યુનિસીપલ કોર્પોરેશન માટે કુલ રૂ. ૭૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
• રાજ્યમાં ૧,૨૬૨ સરકારી અને ૮૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને સાધન સામગ્રી સાથે સજ્જ કરવામાં આવી હતી.
• રાજ્યના કુલ ૮૮૦ શેલ્ટર હોમ્સમાં અસરગ્રસ્ત ૪૮,૬૯૫ લોકો અને ૬૦૨ સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરીને મેડિકલ ટીમ દ્વારા તપાસ કરાઇ છે. સાથે જ, વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હોસ્પિટલોમાં કુલ ૨૧૬ સફળ પ્રસુતિ પણ કરવામાં આવી છે.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment