Ambaji Bhadarvi Poonam Fair 2024: બનાસકાંઠા જિલ્લામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે.
જે અંતર્ગત મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરાઇ. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન QR કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા PPT પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી.
સચિવ રાજેન્દ્રકુમારે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ દૂરના પદયાત્રી સુધી પોંહચે તે જરૂરી છે એમ જણાવતાં કહ્યું કે, દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા તમામને જણાવ્યું હતું.
તેઓએ કહ્યું હતું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. તેઓએ દરેક વિભાગને કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી હતી. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા , રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન , લાઇટિંગ , મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી , પ્રચાર – પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે દવે , જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને મેળાની વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh