Polo Forest -18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ રહેશે બંધ, ડેમમાંથી અવાર-નવાર પાણી છોડાતા લેવાયો નિર્ણય
સાબરાકાંઠાના પોલો ફોરેસ્ટ જવા પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રહેશે.
ઉપરવાસના વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં પાણી જંગલ વિસ્તારમાંથી હરણાવ નદીમાં જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રહેશે
વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી હરણાવ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે. પોલો વિસ્તારમાં અવર જવર કરતા રાહદારી તેમજ પર્યટકો માટે આ રસ્તો પ્રતિબંધિત કરાયો છે. જેમાં ડેમનું પાણી પોલોના જંગલ વિસ્તારમાં થઈને હરણાવ નદીમાં જતુ હોવાથી વધુ પાણી છોડવાની જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલા માટે પ્રતિબંધ કરાયો છે.
હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ સજા થશે
3 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જેમાં હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. જો કે, આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહીં.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh