ભાવનગર જિલ્લાના જેસરમાં મર્ડરને આપઘાતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ : જર,જમીન અને જોરૂં ત્રણેય કજીયાના છોરું
ઘટનાના ચાર મહિના બાદ હાઈકોર્ટે હુકમ કર્યાં પછી જેસર પોલીસે હત્યાની ફરિયાદ નોંધી
એક જ શેઢા પર આવેલી જમીન મુદ્દે સાવકા ભાઈઓ વચ્ચે ઘણાં સમયથી જમીન બાબતે તકરાર હતી અને અવારનવાર ધાકધમકીઓ આપી ઝઘડા પણ થતાં હતા
જેસર: જેસરના કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનો મૃતદેહ ગત મે માસમાં તેમની વાડીમાં આવેલી ઓરડીમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
જે બનાવ અંગે જેસર પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે અરજી દાખલ કરી તપાસ કરવામાં આવી રહી હતી.
પરંતુ વૃદ્ધના પરિવારનો તેમના સાવકાભાઈ સાથે લાંબા સમયથી જમીન વિવાદ ચાલતો હોય અને તેના કારણે વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાની શંકા તેંમના પરિવારને હતી.
પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નહી નોંધવામાં આવતા વૃદ્ધના પરિવારજનો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
જે બાદ હાઈકોર્ટ ગત તા. ૦૧-૧૦ના રોજ જેસર પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ કરતા અંતે ઘટનાના પાંચ મહિના બાદ જેસર પોલીસે ચાર શકમંદો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેસરના કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ પ્રાગજીભાઈ ઝાલાવાડિયા (દેસાઈ) (ઉ.વ.૬૩) ગત તા.૨૬-૦૫ના રોજ ઘરેથી નિકળી ગયા હતા અને સાંજે પાંચ વાગ્યા સુધી ઘરે પરત નહી પહોંચતા લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ તેમની વાડીની ઓરડીમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.
જે અંગે જેસર પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી તપાસ કરવામાં આવી રહી હતી.
પરંતુ બીજી તરફ મૃતકના પરિવારને હત્યાને આપઘાતમાં પરિણમવામાં આવ્યો હોવાની શંકાના હતી કારણ કે, મૃતક મનસુખભાઈને તેમના સાવકાભાઈ મગન પ્રાગજીભાઈ ઝાલાવાડીયાની જમીન એક શેઢે આવેલી હોય અને તે બાબતે તેમના વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.
તેમજ તેમના ભાગીદાર પણ મૃતક સાથે અવારનવાર ઝઘડાઓ કરતા હતા તેમજ એક દિવસ રાજુ રવજીભાઈ ડાભી દ્વારા મનસુખભાઈને લાકડીના ધોકા ફટકારવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
તેમજ મગનભાઈ ઝાલાવાડિયા દ્વારા ધમકી પણ અપાઈ હતી કે, આ વાડીમાં આવેલ આંબા કાઢી નાખજે તેમજ ત્યાં પડેલ કુવળ તથા ખાતર લઈ લેજે અને આ જગ્યા ખાલી કરી નાખજે અને આ જગ્યા અમારા ભાગીદારનેને સરકારે ફાળવેલ છે અને મગન ઝાલાવાડીયા તથા તેમના ભાગ્યા સાથે મળીન અવારનવાર મૃતકને ધાક ધમકીઓ આપતા હતા.
ઉપરાંત મનસુખભાઈના મૃત્યું બાદ તેમનુ પેનલ પીએમ કરવા ભાવનગર લાવવામાં આવ્યા ત્યારે શકદાર મગન ઝાલાવાડીયા દ્વારા વાડીમાં આવી પુરાવાનો નાશ કરવાના હેતુથી વાડીમાં ટ્રેક્ટર હંકારી નાખ્યું હતું.
આથી મૃતકના પુત્રને તેના પિતાની હત્યા થઈ હોવાની શંકા હતી પરંતું જેસર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતી નહી હોવાથી અંતે મૃતકના પુત્ર દ્વારા હાઈકોર્ટના દ્વારા ખટખટાતા ગત તા.૦૧-૧૦ના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા જેસર પોલીસને ફરિયાદ દાખલ કરવાનો આદેશૉ કરતા આજે પાંચ મહિના બાદ મૃતકના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ દેસાઈ (ઝાલાવાડિયા)ની ફરિયાદના આધારે જેસર પોલીસે શકદાર મગન પ્રાગજીભાઈ દેસાઈ (ઝાલાવાડિયા), શકદાર રવજીભાઈ હીરાભાઈ ડાભી, શકદાર શાંતુબેન રવજીભાઈ ડાભી અને શકદાર રાજુભાઈ રવજીભાઈ ડાભી (તમામ રહે. જેસર) વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ પણ પુરાવા પોકાર્યા
મૃતક મનસુખભાઈનો મૃતદેહ ગત ૨૬મી મેના રોજ તેમની વાડીની ઓરડીમાંથી લટકતી હાલતે મળી આવ્યો હતો પરંતુ તેમના પુત્રને તેમના પિતાની હત્યાને આપઘાતમાં ખપાવી દેવાનો પ્રયાસ હોવાની શંકા હતી કારણે કે, તેમના પિતાને મારી નાખી લટકાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
તેમજ મૃતકના શરીર ઉપર તથા મોઢા ઉપર અને આંખ પાસે આવેલ નેણ ઉપર ઇજાઓના નિશાન હતા. જગ્યાથી પાંચ ફૂટ દૂર લોહી પણ પડેલું હતું.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh