કેન્દ્ર સરકારે વધુ ૫ ભાષાઓ ને શાસ્ત્રીય ભાષા નો દરજ્જો આપ્યો.આસામી, બંગાળી, મરાઠી, પાલી, અને પ્રાકૃત નો શાસ્ત્રિય ભાષા માં સમાવેશ.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે મરાઠી, પાલી, પ્રાકળત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે લોકોને ખુશ કરવા નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે, પાંચ પ્રાદેશિક ભાષા મુદ્દે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા મરાઠી, પાલી, આસામી, બંગાળી અને પ્રાકળત ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું કે અત્યાર સુધીમાં સંસ્કૃત, તેલુગુ, મલિયાલમ, તમિલ, કન્નડ અને ઓડિયા ભાષાનો શાસ્ત્રીય ભાષા તરીકે સમાવેશ હતો, હવે સરકારે નવી પાંચ ભાષાનો ઉમેરો કર્યો છે. કેન્દ્ર સરકારે શાસ્ત્રીય ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ નિર્ણય લીધો છે, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન મરાઠી ભાષાનો શાસ્ત્રીય ભાષામાં સમાવેશ મહારાષ્ટ્રના નેતાઓએ વધાવ્યો હતો. આ નિર્ણયને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધાવ્યો હતો. અહીં એ જણાવવાનું કે વર્ષ 2013માં મહારાષ્ટ્ર સરકાર તરફથી મંત્રાલયમાં મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની વિનંતી કરતો પ્રસ્તાવ મોકલ્યો હતો, જે LEC (Linguistic Experts Committee)ને મોકલવામાં આવ્યો હતો. કમિટીએ મરાઠી ભાષાની શાસ્ત્રીય ભાષા માટે ભલામણ કરી હતી.
2017માં મરાઠી ભાષાને શાસ્ત્રીય દરજ્જો આપવા માટે કેબિનેટ માટેની ડ્રાફ્ટ નોંધ પર આંતર મંત્રાલય સાથે પરામર્શ દરમિયાન નિર્ધારિત માપદંડોને સુધારવા અને તેને વધુ કડક બનાવવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્ર સિવાય, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ તરફથી પાલી, પ્રાકળત, આસામી અને બંગાળી ભાષાને ‘શાસ્ત્રીય ભાષાનો દરજ્જો’આપવાનો પ્રસ્તાવ પણ મળ્યો હતો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh