ઇંગ્લૈંડ-પાક પ્રથમ ટેસ્ટ: રૂટ અને બ્રુકના તોફાન સામે પાકિસ્તાન પરાસ્ત, શરમજનક હાર
મુલતાન: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ફ્લોપ પ્રદર્શન યથાવત છે, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની પ્રથમ મેચ(PAK vs ENG 1st Test)માં પાકિસ્તાનની કારમી હાર થઇ છે. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. ટેસ્ટ ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પ્રથમ દાવમાં 500થી વધુ રન બનાવ્યા હોવા છતાં એક ઈનિંગથી હારી ગઈ હોય. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનની આ સતત છઠ્ઠી હાર છે. છેલ્લી 9 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનની આ સાતમી હાર છે.
ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ પસંદ કરી હતી, પાકિસ્તાનના 3 બેટર્સે સદી ફટકારી હતી, જેને કારણે ટીમે 556 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાનની ટીમને ખ્યાલ નહોતો કે ઈંગ્લેન્ડની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ઈંગ્લિશ ટીમે ઓલી પોપની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ટીમની બેટિંગ શાનદાર રહી.
હેરી બ્રુકની ત્રેવડી સદી અને જો રૂટની બેવડી સદીને કારણે ઈંગ્લેન્ડે 823 રન બનાવીને ઘણા રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા હતાં. હેરી બ્રૂક અને જો રૂટ સહિત ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેનોએ જે ગતિએ રન બનાવ્યા તેના કારણે મેચ ડ્રો થવાની શક્યતા ઘટી ગઈ હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ 823 રન પર ડિકલેર કરી અને તેને પ્રથમ ઇનિંગમાં 267 રનની લીડ મેળવી હતી.
જોકે, મેચને નિષ્કર્ષ પર લાવવાનો શ્રેય ઈંગ્લેન્ડના બોલરોને જાય છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે જેક લીચે 4 વિકેટ લઈને પાકિસ્તાનની ટીમની બેટિંગ લાઈન અપની કમર તોડી નાખી હતી. પાકિસ્તાનની બીજી ઇનિંગ માત્ર 220 રનમાં સમેટાઈ ગઈ. બાબર આઝમ ફરી નિષ્ફળ રહ્યો, તેણે પ્રથમ ઇનિંગમાં 30 રન અને બીજી ઇનિંગમાં માત્ર 5 રન બનાવ્યા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh