Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:11 am

LATEST NEWS
Lifestyle

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

Facebook
Twitter
WhatsApp
Email

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ : ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

કોમ્પ્લેક્સના નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે

૨૦૦થી વધુ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચું ‘લાઇટહાઉસ મ્યુઝિયમ’

ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના ૪૫૦૦ વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ નો શિલાન્યાસ માર્ચ ૨૦૧૯માં કરવામાં આવ્યો હતો, જે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ કોમ્પ્લેક્સ બનવા જઇ રહ્યું છે. આ આખો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. દરેક તબક્કો મુલાકાતીઓના અનુભવ અને શૈક્ષણિક પ્રભાવને વધારવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

એન.એમ.એચ.સી. નો તબક્કો ૧એ હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં ૬૦% થી વધુ કામ પૂર્ણ થયું છે. આ તબક્કા હેઠળ એન.એમ.એચ.સી. મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓ સમાવિષ્ટ કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત કરવામાં આવશે, અને તે દેશમાં સૌથી મોટું મ્યુઝિયમ હશે તેવી અપેક્ષા છે. આ ગેલેરીમાં આઈ.એન.એસ. નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને યુ.એચ.૩ હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, તબક્કા ૧એમાં પ્રાચીન લોથલ ટાઉનશીપનું મોડેલ, એક ઓપન એક્વેટિક (જળચર) ગેલેરી અને જેટ્ટી વોકવેનો સમાવેશ કરવામાં આવશે. ૧૨૩૮.૦૫ કરોડના અંદાજિત ખર્ચ સાથે આ તબક્કા હેઠળનું કાર્ય વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

તબક્કા ૧બીમાં, એન.એમ.એચ.સી. મ્યુઝિયમમાં વધુ આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. લાઇટહાઉસ મ્યુઝિયમને વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ બનાવવાની યોજના છે. તેમાં એક બગીચા કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે, જેમાં લગભગ ૧૫૦૦ વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમનો અંદાજિત ખર્ચ ૨૬૬.૧૧ કરોડ છે, જે માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ એન્ડ લાઇટશિપ્સ (ડી.જી.એલ.એલ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

એન.એમ.એચ.સી.ના બીજા તબક્કામાં, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિશેષ પેવેલિયન બનાવવામાં આવશે. તેમાં સમુદ્રની થીમ પર બનાવેલા ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ અને ‘મ્યુઝ્યોટેલ’ બનાવવામાં આવશે જે મ્યુઝિયમ અને હોટલને જોડશે. મુલાકાતીઓ લોથલના પ્રાચીન શહેરની ઝલક મેળવી શકશે. ચાર થીમ પાર્ક સાથે એક મેરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. ચાર થીમ પાર્કમાં મેરીટાઇમ એન્ડ નેવલ, ક્લાઈમેટ ચેન્જ, મોન્યુમેન્ટ્સ અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. આ તમામ થીમ પાર્ક લોકોને દરિયાઈ વારસા વિશે વધુ માહિતગાર કરશે.

કેબિનેટે એક વ્યૂહાત્મક યોજના બનાવીને એન.એમ.એચ.સી. પ્રોજેક્ટના આગામી તબક્કાઓની કામગીરીને પ્રાથમિક મંજૂરી આપી છે. આ તબક્કાઓને સ્વૈચ્છિક દાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, અને તેમની પ્રગતિ પર્યાપ્ત નાણાં એકત્ર કરવા પર નિર્ભર રહેશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રીશ્રીના નેતૃત્વમાં એક વિશેષ સોસાયટી દ્વારા આ તબક્કાઓની કામગીરીનું સંચાલન કરવામાં આવશે.

એન.એમ.એચ.સી.ના વિકાસથી ૧૫ હજાર પ્રત્યક્ષ અને ૭ હજાર પરોક્ષ રોજગારીની તકો પેદા થશે. આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની સાથોસાથ, તેનાથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને ફાયદો થશે. લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એન.એમ.એચ.સી.) એ ભારતના દરિયાઈ વારસાને સન્માનિત કરવા અને જાળવવા માટેનો સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment