ન્યાયની દેવીની આંખોની પટ્ટી , તલવાર દૂર થયા , હાથમાં બંધારણ આવ્યું : સી.જે.આઈ. ચંદ્રચૂડની ભલામણથી ફેરફાર
– હવે અંધા કાનૂન નહીં : બંધ આંખે નહીં બંધારણ સાથે ન્યાયતંત્ર ચાલશે
– સીજેઆઈ ચંદ્રચૂડની ભલામણના આધારે ન્યાયની દેવીની મૂર્તિ અને તેમના પ્રતીકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો
નવી દિલ્હી : સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં જ્યારે અદાલત જોઈએ ત્યારે ન્યાયાધિશની બાજુમાં ન્યાયની દેવીની મૂર્તિ હોય છે. ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં હવે મોટું પરિવર્તન આવ્યું છે. ભારત સરકાર દ્વારા અંગ્રેજોના સમયથી ચાલતા આવતા ન્યાયંત્રને ભારતીય વ્યવસ્થા અનુરૂપ બદલવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે આ વર્ષે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી. હવે ભારતીય ન્યાયતંત્રના પ્રતિક રૂપે ન્યાયની દેવીનું પણ સ્વરૂપ બદલવામાં આવ્યું છે.
સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડની ભલામણ બાદ ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. નવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ જજની લાઈબ્રેરીમાં મુકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યાયની દેવીના નવા સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંધા કાનૂનને દર્શાવતી દેવીની પ્રતિમાની આંખો ઉપરથી કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે. હવે ન્યાયની દેવી બધું જ જોઈ શકે છે. આ ઉપરાંત તેમની મૂર્તિના એક હાથમાં ત્રાજવું યથાવત્ છે જે તમામ લોકોને સમાન ત્રાજવે તોલીને ન્યાય કરે છે. બીજી તરફ બીજા હાથમાંથી તલવાર લઈ લેવાઈ છે અને તેના સ્થાને બંધારણ આપવામાં આવ્યું છે. સીજેઆઈનું માનવું હતું કે, તલવાર તો હિંસાનું પ્રતિક છે. કોર્ટ હિંસા નથી કરતી તે તો ન્યાય કરે છે જે હિંસાનું સમર્થન કરનાર ન હોઈ શકે. તેના પગલે જ તલવાર ના બદલે હવે બંધારણ રાખવામાં આવ્યું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh