ઈન્ડિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ: ૩૬ વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ ૮ વિકેટે જીતી
બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૮ વિકેટથી હરાવ્યું છે.
મેચના પાંચમા દિવસે કિવી ટીમને જીતવા માટે ૧૦૭ રન બનાવવાના હતા જે મુલાકાતી ટીમે ૨ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. અંતિમ દિવસે રચિન રવિન્દ્ર અને વિલ યંગ વચ્ચે ૭૨ રનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની હાર સુનિશ્ચિત કરી હતી. મેચના પાંચમા દિવસે ભારત માટે વિકેટ લેનારો એકમાત્ર બોલર જસપ્રિત બુમરાહ હતો જેણે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
બેંગલોર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જ્યારે બીજા દિવસે જ્યારે ટોસ થયો ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ લેવાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર ટીમ ઈન્ડિયા માત્ર ૪૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ન્યૂઝીલેન્ડે ૪૦૨ રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં ૩૫૬ રનની જંગી લીડ મેળવી હતી. કિવી ટીમ માટે રચિન રવિન્દ્રએ ૧૩૪ રનની સદીની ઇનિંગ રમી હતી અને ટિમ સાઉદીએ પણ ૬૫ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યું હતું કે પ્રથમ દાવમાં બેટિંગ કરવાનું પસંદ કરવું તેની કારકિર્દીનો સૌથી ખરાબ નિર્ણય હતો. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં બેટિંગ કરવા આવી તો તેણે ન્યૂઝીલેન્ડના બોલરોને ખૂબ જ પરેશાન કરી દીધા. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ ૩૫ રન બનાવીને આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અનુક્રમે ૫૨ અને ૭૦ રનની અડધી સદી રમી હતી. તે પછી સરફરાઝ ખાન અને ઋષભ પંતે કમાન સંભાળી, જેમની વચ્ચે ૧૭૭ રનની શાનદાર ભાગીદારી થઈ. સરફરાઝે ૧૫૦ રન બનાવ્યા, જ્યારે ઋષભ પંતની ઇનિંગ્સ ૯૯ના સ્કોર પર સમાપ્ત થઈ. આ બંનેના આઉટ થયા બાદ ચોથા દિવસે ભારતીય બેટિંગ પડી ભાંગી હતી અને ૪૬૨ના સ્કોર પર ઈનિંગ્સનો અંત આવ્યો હતો.
ન્યુઝીલેન્ડ ૩૬ વર્ષ પછી જીત્યું
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ ભારતીય ધરતી પર માત્ર ૨ ટેસ્ટ મેચ જીતી શક્યું છે. તેમની પ્રથમ જીત ૧૯૬૯માં અને બીજી જીત ૧૯૮૮માં થઈ હતી. હવે ૩૬ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડની જીતમાં મેટ હેનરીએ મોટો ફાળો આપ્યો હતો, જેણે ૨ ઇનિંગ્સમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ ઓ’રોર્કે પણ ૭ વિકેટ ઝડપી હતી. તેના સિવાય બેટિંગમાં રચિન રવિન્દ્રએ બંને ઇનિંગ્સમાં કુલ ૧૭૩ રન બનાવ્યા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh