વડોદરા-અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રેક પર ‘કવચ સિસ્ટમ’ નું સફળ ટ્રાયલ
વડોદરા અને અમદાવાદ વચ્ચેના ૯૬ કિમી જેટલા રેલવે ટ્રેકને અકસ્માતથી સુરક્ષિત રાખવા માટે કવચ સિસ્ટમ નું એન્જિન ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ માટેની અડધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે માત્ર રેલવે એન્જિનમાં કવચ સિસ્ટમ લગાડવાની બાકી છે. તે કામગીરી પૂર્ણ થયા બાદ કવચ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે. આમ, અમદાવાદ-વડોદરા વચ્ચેના રેલવે ટ્રેકને અકસ્માત રહિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું અંતિમ ચરણમાં આવી પહોંચ્યું છે.
આ ટેક્નોલોજીનો હેતુ ભારતીય રેલવેને તેના ‘ઝીરો એક્સિડન્ટ’ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરવાનો છે. પશ્ચિમ રેલવે પર કવચ પ્રણાલીને ૭૮૯ કિમી અને ૯૦ લોકો પર શરૂ કરવામાં આવી રહી છે.
કવચ પ્રણાલીને આરડીએસઓ દ્વારા ૨૦૦ કિમી પ્રતિ કલાક સુધી ટ્રેનોની ઝડપ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલીંગની પદ્ધતિનો ઉપયોગ
પશ્ચિમ રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા-અમદાવાદ રેલવે ટ્રેક પર કવચ ૪.૦ સિસ્ટમ ઇન્સ્ટોલ થનાર છે. જેનું લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટ્રેક ૯૬ કિમી સુધી વિસ્તરેલો છે. આ જ રીતે વિરાર-સુરત-વડોદરા સેક્શનમાં પણ કવચનું ટેસ્ટીંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સુત્રોએ ઉમેર્યું કે, કવચના ઇન્સ્ટોલેશન માટે રેલવે દ્વારા હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલીંગની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે સપાટીથી આશરે 3 મીટર નીચે સુધી કેબલ નાંખવામાં સરળતા રહે છે.
રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે ઉપયોગ
પશ્ચિમ રેલવે મુસાફરોની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવતા આ પગલાં ભરી રહ્યું છે. કવચ સિસ્ટમ સંપૂર્ણ સ્વદેશી છે. અને તેનો ઉપયોગ રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે કરવામાં આવે છે. સંભવત કેટલાક કિસ્સાઓમાં અગાઉથી જ જાણ થઇ જવાના કારણે આ સિસ્ટમ લાગુ કરવા પર વધુ જોર લગાડવામાં આવી રહ્યું છે. અગાઉ કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રેલવેમાં કવચ સિસ્ટમના ફાયદા જણાવવામાં આવ્યા હતા. જે સોશિયલ મીડિયા માધ્યમથી કરોડો લોકો સુધી પહોંચ્યા હતા. રેલવે વિભાગ દ્વારા સેવાઓ અને સુવિધાઓ બહેતર બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh