સરહદે શાંતિ, ભરોસો અને સન્માન જરૂરી : મોદી
– રશિયામાં બ્રિક્સ સંમેલન વચ્ચે મોદી-જિનપિંગની દ્વિપક્ષીય બેઠક
– ચીન પર ભરોસો કરાય? જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી સરહદે શાંતિનો રસ્તો ખુલી ગયો છે
– વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બન્ને દેશોએ મતભેદોને દૂર કરી સાથે મળીને કામ કરવું જોઇએ : જિનપિંગ
– ગલવાન ઘાટીમાં ચીનના હુમલા બાદ ચાર વર્ષની તંગદિલી વચ્ચે મોદી-જિનપિંગ વચ્ચે પ્રથમ મુલાકાત
કઝાન : રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ભારત અને ચીને લદ્દાખ સરહદેથી પોતપોતાના સૈન્યને પરત લઇ લેવા થયેલી સમજૂતી બાદ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક યોજાઇ હતી. સરહદે શાંતિ અને સ્થિરતા જળવાઇ રહે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. જ્યારે જિનપિંગે પણ સરહદે શાંતિ સ્થાપવાની વાતો કરી હતી.
વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈન્ય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના ૨૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે સરહદે વિવાદ વકર્યો હતો. હવે મામલો થાળે પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેઠક વચ્ચે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે પાંચ વર્ષ બાદ આ ઔપચારિક રૂપે બેઠક કરી રહ્યા છીએ. છેલ્લા ચાર વર્ષમાં સરહદે સર્જાયેલી તંગદીલી ને સમસ્યાઓ પર જે સહમતિ બની છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. સરહદે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી અમારી પ્રાથમિકતા હોવી જોઇએ.
જ્યારે બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે બન્ને દેશોએ પોત પોતાના મતભેદોને યોગ્ય રીતે સંભાળવા જોઇએ. ભારત અને ચીને પોતાના સંબંધોને સામાન્ય બનાવી રાખવા માટે એકબીજાની સાથે મળીને કામ કરવું જોઇએ. ત્યારે જ બન્ને દેશો પોતાના વિકાસના ટાર્ગેટને પુરો કરી શકશે. વાતચીત કરતા રહેવી અને સહયોગ કરવો આપણા મતભેદો અને અસહમતિઓને યોગ્ય રીતે સંભાળવી તેમજ એકબીજાની વિકાસ આકાંક્ષાઓને પુરી કરવામાં સુવિધા પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે. બન્ને દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવીને વિકાસશીલ દેશોની તાકાત અને એકતાને પુરી કરવાને પ્રાથમિકતા આપવા પર વધુ ધ્યાન આપવું જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર એક્સ પર જિનપિંગ સાથેની મુલાકાતની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે કઝાનમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. અમારા માટે ભારત અને ચીન વચ્ચેના સારા સંબંધો મહત્વપૂર્ણ છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તર પર શાંતિ-સ્થિરતા માટે પણ આ મહત્વપૂર્ણ છે. એકબીજા પર ભરોસો, એકબીજાનું સન્માન અને સંવેદનશીલતા બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને રસ્તો દેખાડતા રહેશે. બીજી તરફ આ મુલાકાત અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીને પત્રકારોએ સવાલ કર્યો હતો કે શું ચીન પર ભરોસો કરી શકાય. જવાબમાં તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે બન્ને દેશો વચ્ચે ભરોસો વધશે. જે સમજૂતી બન્ને દેશો વચ્ચે થઇ છે તેનાથી સરહદે શાંતિનો રસ્તો ખુલી ગયો છે. આ પહેલા નરેન્દ્ર મોદી અને જિનપિંગ વર્ષ ૨૦૧૯માં મળ્યા હતા, જોકે લદ્દાખ સરહદે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ બન્ને વચ્ચે કોઇ મુલાકાત નહોતી થઇ, હવે ચાર વર્ષ બાદ બન્ને દેશના વડાઓ મળ્યા હતા.
આતંકવાદ મોટી સમસ્યા, ગાઝામાં શાંતિ સ્થાપિત થવી જરૂરી : બ્રિક્સ દેશો
બ્રિક્સ દેશોએ આતંકવાદને તમામ દેશો માટે એક મોટી સમસ્ય ગણાવી હતી. સાથે જ આતંકવાદને નાથવા માટે તમામ પ્રકારના પ્રયાસો માટે સહમતી બની હતી. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા આ સંગઠને એક સંયુક્ત નિવેદન જારી કરીને આતંકવાદને વખોડયો હતો.
રશિયાના કઝાનમાં યોજાયેલા ૧૬માં બ્રિક્સ સમિટમાં તમામ સભ્ય દેશોના ટોચના વડાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત જાહેરાતમાં જણાવાયું છે કે આતંકવાદ એક મોટી સમસ્યા બની ગઇ છે. દેશોની સુરક્ષા માટે આતંકવાદને નાથવા વૈશ્વિકસ્તરે પગલા લેવા જરૂરી છે. આ ઉપરાંત વેપાર, સ્થાનિક કરંસીમાં નાણાકીય સમજૂતી વગેરે પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન ગાઝામાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા આચરેલા નરસંહાર બદલ ભારે ટિકા પણ કરવામાં આવી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh