૧૩૦ નાં મૃત્યુ થયા, ૧૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત… ફિલિપાઈન્સમાં ‘ત્રામી વાવાઝોડા’એ મચાવી તબાહી , જુઓ
તાજેતરમાં જ ભારતમાં દાના વાવાઝોડાએ તબાહી મચાવી હતી ત્યારે હવે દક્ષિણ પૂર્વ એશિયાના વધુ એક દેશ ફિલિપાઈન્સમાં સમુદ્રમાં સર્જાયેલા ત્રામી વાવાઝોડાએ ભારે તબાહી સર્જી દીધી છે. આ વાવાઝોડાને લીધે ફિલિપાઈન્સના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે વરસાદને લીધે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બનતાં ૧૩૦ થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે ૧૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે.
૪૨,૦૦,૦૦૦ લોકો પ્રભાવિત થયા…
સ્થાનિક સરકારના અહેવાલો અનુસાર આ ભયાનક વાવાઝોડાને પગલે લગભગ ૪૨ લાખ લોકોની વસતીને અસર થઇ છે જેમાં ૫ લાખ લોકોએ હિજરત કરી જવાની ફરજ પડી હતી જેઓ આજુબાજુના શહેરોમાં શરણ લેવા મજબૂર થયા છે.
દેશના રાષ્ટ્રપતિ શું બોલ્યાં?
દેશના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને સૈન્યના જવાનો ભૂસ્ખલનમાં દટાયેલા લોકોના મૃતદેહોને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ ત્રામી વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ ફિલિપાઈન્સથી દૂર જતું રહ્યું છે. જોકે ત્રામી વાવાઝોડું દક્ષિણ પૂર્વ એશિયાના ટાપુસમૂહમાં ત્રાટકનાર સૌથી ઘાતક અને વિનાશકારી વાવાઝોડાઓ પૈકી એક બની ગયું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh