આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા, ત્રણના મોત
આણંદ જિલ્લાના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની છે.
આ કામગીરી દરમિયાન સિમેન્ટ-કોંક્રિટના બ્લોક અને લોખંડની ફ્રેમનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા.
જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.
જોકે, મૃતકોના પરિવારજનો માટે 20-20 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે.
લોખંડની ફ્રેમ પર રાખેલા સિમેન્ટ બ્લોક સ્લીપ થયા અને દુર્ઘટના બની : NHSRCL
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના MD વિવેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, ‘આજે સાંજે 4 વાગ્યા આસપાસ એક દુર્ઘટના બની છે.
મહી નદી પર વેલ સિકિંગની કામગીરી ચાલી રહી હતી. સિકિંગના લોડ મૂકાયા હતા.
સિમિન્ટ બ્લોક લોખંડની ફ્રેમ બનાવીને ઉપર રાખેલા હતા, જે 6-7 મીટરના હતા. તેમાંથી કેટલાક બ્લોક સ્લીપ થયા.
આ સાથે લોખંડની ફ્રેમ પડવાથી પણ આકસ્મિક દુર્ઘટના બની છે. બ્લોક સ્લીપ થવા અને લોખંડની ફ્રેમ પડવાના તેના કારણે નીચે ઉભેલા શ્રમિકોને ઈજા પહોંચી.
ઘટનાસ્થળ પર 4 શ્રમિકો હાજર હતા. એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ ચૂક્યા છે.
ઘટનાની માહિતી મળતા જ 80 શ્રમિક અને આસપાસના ગામલોકોની મદદથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.
મૃતકોને આજે રાત્રે જ સહાય ઉપલબ્ધ કરી દેવાશે. આ કાર્ય વિસ્તાર પ્રતિબંધિત અને બેરિકેડેટ હતો, શ્રમિકોને ત્યાં જવાની કોઈ જરૂરિયાત નથી હોતી.
પરંતુ શ્રમિકો કયા કારણે ત્યાં પહોંચ્યા તેની તપાસ કરવામાં આવશે. હાલ ઘટના સ્થળ પર સિનિયર ઓફિસર હાજર છે.
ત્રણેય મૃતકોના નામ
- પ્રહલાદ હિંમતસિંહ બારીયા,ગોધરા (ગુજરાત)
- કનુભાઈ ડાહ્યાભાઈ સોલંકી (ઉં. વર્ષ 37), રાજુપુરા, વાસદ (ગુજરાત)
- રણજીતસિંહ યાદવ (ઉં. વર્ષ 40), મુઝફ્ફરપુર (બિહાર)
ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ : NHSRCL
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના જણાવ્યા અનુસાર, આજે સાંજે આણંદ જિલ્લામાં મહી નદીના વેલ ફાઉન્ડેશન સિકિંગ કામગીરી દરમિયાન કોંક્રિટના બ્લોક પડી ગયા, જેમાં 4 શ્રમિકો દબાયા હતા.
ઘટના સ્થળ પર હાજર ક્રેન અને ખોદકામ મશીનોને બોલાવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ. સ્થાનિક લોકો, તંત્ર, પોલીસ વિભાગ અને NDRFએ મદદ કરી.
તમામ 4 શ્રમિકોને બહાર કાઢી લેવાયા છે. એક શ્રમિકની સારવાર ચાલી રહી છે અને ત્રણને મૃત જાહેર કરી દેવાયા છે. દરેક મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય ઓનલાઈન ટ્રાન્સફર કરાઈ રહી છે.
નિર્માણધીન મહી પુલમાં 12 વેલ ફાઉન્ડેશન અને 60 મીટર સ્પાન છે, જેની કુલ લંબાઈ 720 મીટર છે. આ પુલ આણંદ જિલ્લામાં સ્થિત છે. કુલ 610 મીટર સિંકિંગમાંથી 582 મીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
હાલમાં, ત્રણ વેલ ફાઉન્ડેશનમાં 28 મીટરનું બાકી રહેલું ખોદકામ કામ ચાલી રહ્યું છે. વેલ ફાઉન્ડેશન સંખ્યા P13 પર 60 મીટર ખોદકામના મુકાબલે 53 મીટર ખોદકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
કોંક્રિટ બ્લોક્સને સિંકિંગ માટે ફ્રેમ પર લોડ કરાયા હતા જેને એચટી સ્ટ્રેન્ડ દ્વારા સહારો અપાયો હતો.
ડિઝાઈનના અનુસાર, 4 સ્ટ્રેન્ડની સરખામણીમાં 16 સ્ટ્રેન્ડ અપાયા હતા. જોકે, સ્ટ્રેન્ડના તૂટવાના કારણે બ્લોક નીચે પડી ગયા અને ચાર શ્રમિકો ફસાયા હતા.
ઘટનાનું કારણ જાણવા માટે વધુ ટેક્નિકલ તપાસ કરાઈ રહી છે.
દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ સહિતના કાફલા દ્વારા તાબડતોબ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ. જેસીબી-ક્રેન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh