ટી૨૦ વર્લ્ડકપ બાદ આજે ફરી સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા ટકરાશે, જાણો કોનું પલડું ભારે
ભારતીય ટીમ હાલ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝ રમાશે. જેની પ્રથમ મેચ આજે (8 નવેમ્બર) ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. જ્યારે ટોસ અડધો કલાક વહેલો એટલે કે 8 વાગ્યે થશે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે આ વર્ષે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. આ ફાઈનલ બાદ બંને ટીમ વચ્ચે આ પ્રથમ T20 મેચ હશે.
ભારતીય ટીમ નવા કોચ અને નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે
હવે ભારતીય ટીમ આ સિરીઝમાં નવા કેપ્ટન અને નવા કોચ સાથે ઉતરશે. રોહિત શર્માએ વર્લ્ડ કપ પછી જ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી સૂર્યાને T20માં ભારતીય ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બીજી તરફ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત હોવાથી તેના સ્થાને VVS લક્ષ્મણ આ T20 સિરીઝમાં કોચિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે.
ભારતે દક્ષિણ આફ્રિકામાં જ વર્લ્ડ કપ જીત્યો હતો
ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા સામે અને ઘરઆંગણે T20 મેચોમાં સારો રેકોર્ડ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27, T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 15માં જીત અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આફ્રિકન દેશમાં ભારતીય ટીમે કુલ 15, T20 મેચ રમી જેમાંથી 10 જીતી અને માત્ર 4માં હાર થઈ. ભારતે 2007માં આ દેશમાં T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
ભારતીય ટીમ છેલ્લી 5 સિરીઝમાં નથી હારી
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી 5 દ્વિપક્ષીય T20 સિરીઝમાં હારી નથી. આ દરમિયાન ભારતે 2 સિરીઝ જીતી છે. જ્યારે 3 T20 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 9 દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 4 અને આફ્રિકાએ 2માં જીત મેળવી છે. 3 સિરીઝ ડ્રો રહી છે.
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સમયપત્રક
8 નવેમ્બર – 1લી T20, ડરબન
10 નવેમ્બર- 2જી T20, ગકેબરહા
13 નવેમ્બર- 3જી T20, સેન્ચુરિયન
15 નવેમ્બર- 4થી T20, જોહાનિસબર્ગ
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh