વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવઃ ઉત્સવમાં જતા પહેલા જાણી લો, કયા માર્ગો પર મુકાયો પ્રતિબંધ અને કયા છે વૈકલ્પિક માર્ગો
વડતાલ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહે એ સમયે ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે બે માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.
- 15 નવેમ્બર સુધી વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે
- મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે
દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ: ખેડા જિલ્લામાં આવેલા વડતાલ ખાતે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવી રહ્યાં છે.
મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે બે માર્ગો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે.
વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે એકત્ર થનારા હોય ટ્રાફિક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા વડતાલથી વલેટવા અને રાવલી સરહદી નદી તરફ જતા વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે અને અન્યત્ર રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
જેના પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 15 નવેમ્બર સુધી નીચે જણાવવામાં આવેલા બે માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે અને બે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.
આ માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત
1. વડતાલ થી વલેટવા તરફ જતો-આવતો વાહન વ્યવહાર.
2. વડતાલ થી રાવલી સરહદી નદી તરફ જતો-આવતો વાહન વ્યવહાર.
વાહન વ્યવહાર પસાર થવાના વૈકલ્પિક માર્ગો
1. વડતાલથી વલેટવા તરફ જતો-આવતો વાહન વ્યવહાર. વડતાલથી વલેટવા તરફ જતો વાહન વ્યવહાર વડતાલથી નરસંડા ચોકડી, જુના ને.હા.નં.8, પીપલગ ચોકડી, કેરીયાવી, આખડોલ થઈ વલેટવા ચોકડી થઈ આગળ તરફ જઈ શકશે. તેજ રીતે વલેટવાથી વડતાલ તરફ આવતો વાહન વ્યવહાર આખડોલ, કેરીયાવી, પીપલગ ચોકડી થઈ જુના ને.હા.નં.8, નરસડા ચોકડી થઈ વડતાલ તરફ જઈ શકશે.
2.વડતાલથી રાવલી સરહદી નદી તરફ જતો-આવતો વાહન વ્યવહાર. વડતાલથી જોળ થઈ રાવલી સરહદી નદી તરફ જઈ શકાશે. તેજ રીતે રાવલી સરહદી નદીથી જોળ થઈ વડતાલ તરફ જઈ શકાશે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh