ઝારખંડમાં મતદાન પહેલાં ઇન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, સીએમ હેમંત સોરેનના પર્સનલ સેક્રેટરીના ઘરે દરોડા
મુખ્યમંત્રી હેમંત સોરેનના પર્સનલ સચિવ સુનીલ શ્રીવાસ્તવ તથા તેમની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે.
આ રેડ રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ ઠેકાણે ચાલી રહી હોવાની માહિતી મળી છે. આ રેડને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઇ છે.
સુનીલ શ્રીવાસ્તવ સીએમ હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.
તમને જણાવી દઇએ કે ઝારખંડ હાઇકોર્ટે જૂનમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ કેસમાં જામીન આપ્યા હતા. ઇડીએ 31 જાન્યુઆરી 2024 ના રોજ સીએમ હેમંત સોરેન સાથે સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ હેમંત સોરેન રાજભવન ગયા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસ નેતા રાકેશ સિન્હાએ હેમંત સોરેનના ઘરે રેડ મુદ્દે કહ્યું હતું કે આ કાર્યવાહી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવા માટે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘ઝારખંડ માટે આ કોઇ નવી વાત નથી. રાજ્યમાં વિપક્ષી નેતાઓ અને તેમના અંગત કર્મચારીઓ પર સતત ઇન્કમ ટેક્સ રેડ પાડવામાં આવે છે. ભાજપ હવે ફક્ત ઇન્કમ ટેક્સ અને ઇડી રેડ દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અહીં જનતા પહેલાં જ તેમને નકારી ચૂકી છે. આ પ્રકારની કાર્યવાહીથી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh