સુરેન્દ્રનગર થાનના સારસાણામાં ટ્રિપલ મર્ડરના ૪ આરોપીઓનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ , જુઓ વિડિયો
સુરેન્દ્રનગર ત્રિપલ મર્ડર કેસ: 4 આરોપીઓનું થાન પોલીસે સરઘસ કાઢ્યું, ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું થાનના સારસાણામાં ત્રિપલ હત્યાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી અને મદદગારી કરનાર 4 ઝડપાયા, 2 આરોપી હજી પણ ફરાર
સુરેન્દ્રનગર: થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરનાર યુવાન અને તેના પિતાને છરી અને લાકડીના ઘા મારી યુવતીના ભાઇ તેમજ પૂર્વ પતિ સહિતના શખ્સોએ હત્યા કરી દીધી હતી.
આ હીચકારા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનની માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ ત્રિપલ હત્યામાં પલટાયો હતો.
પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ પૈકી મુખ્ય એક આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા આ ત્રિપલ હત્યાકાંડમાં સંડોવાયેલા વધુ 3 શખ્સોના નામ ખુલતા પોલીસે 3 શખ્સોને પણ ઝડપી લીધા હતા.
જ્યારે હત્યામાં સંડોવાયેલા મુખ્ય બે આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે.
થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરનાર ભાવેશ ઘુઘાભાઇ બજાણીયા નામના શખ્સના પરિવાર પર રાત્રીના સમયે યુવતીના ભાઇ દિનેશ સુખાભાઇ સાબળીયા, પૂર્વ પતિ દિનેશ નાનજીભાઇ સાપરા અને કાકાજી સસરા જેશા નરશીભાઇ સાપરાએ છરી તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો.
જેમાં ભાવેશભાઇ તેમજ તેમના પિતા ઘુઘાભાઇનું મોત નિપજ્યું હતું.
જ્યારે ભાવેશભાઇના માતા મંજુબેનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.
જ્યાં શુક્રવારે સવારે સારવાર દરમિયાન મંજુબેનનું પણ મોત નિપજતાં બનાવ ત્રિપલ હત્યામાં પલટાયો હતો.
એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાના બનાવને લઇને થાન પોલીસ મથકે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી.
જેને લઇને જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને હત્યામાં સંડોવાયેલા 3 મુખ્ય આરોપી પૈકી જેશાભાઇ નરશીભાઇ સાપરાને મોરથળા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે દબોચી લઇ પૂછપરછ કરતા આ હત્યાકાંડમાં મુખ્ય ત્રણ આરોપીઓ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો કેશા ગેલાભાઇ ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલાભાઇ કટુડીયા અને દેવશી સોમાભાઇ સોલંકી પણ સંડોવાયેલા હોવાની કબુલાત કરતા પોલીસે આ ત્રણેય શખ્સોને પણ અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા હતા.
સારસાણાની સીમમાં ત્રિપલ હત્યા કરનાર મુખ્ય 1 આરોપી અને મદદગારીમાં સંડોવાયેલા 3 સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
જ્યારે મુખ્ય બે આરોપી દિનેશ સુખાભાઇ સાબળીયા અને દિનેશ નાનજીભાઇ સાપરા હજી પણ પોલીસ પકડથી દૂર છે.
6 આરોપીઓમાંથી 4 આરોપીઓનું થાન પોલીસે સરઘસ કાઢ્યું હતું.
હાઈસ્કૂલ ચોક સુધી મુખ્ય બજાર સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું.
આ દરમિયાન લીંબડી DySP, થાન પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh