કેનેડાના ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા બંધ : ભારત સહિત ૧૮ દેશોના વિદ્યાર્થીઓને ફટકો
– ટ્રુડોના પગલાંના લીધે ભારત સાથે તંગદિલી વધવાના એંધાણ
– ત્વરિત વિઝા કાર્યક્રમમાં સ્વીકૃતિ દર ૯૫ ટકા જેટલો ઊંચો, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો
– કેનેડામાં ભારતના ૪,૨૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે બીજા કોઈપણ દેશ કરતાં સૌથી વધુ
ઓટાવા: કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઝડપી પ્રોસેસિંગવાળી સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. કેનેડાના આ પગલાંના લીધે ભારત સહિત ૧૮ દેશોને સૌથી મોટો ફટકો પડશે. તેમા પણ સૌથી વધુ ફટકો ભારતને પડશે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને વિઝા સરળતાથી અને ઝડપથી મળી જતા હતા અને તેનો વિઝા સ્વીકૃતિ દર પણ ૯૫ ટકા હતો.
શુક્રવારે ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી) દ્વારા જારી સૂચના મુજબ આ નિર્ણય આઠ નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. એસડીએસને ૨૦૧૮ના રોજ ભારત સહિત ૧૮ દેશોના વિદ્યાર્થી માટે લોન્ચ કરાયો હતો.
આ કાર્યક્રમ હેઠળ ભારત, પાકિસ્તાન, એન્ટિગુઆ અને બર્બુડા, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટારિકા, મોરોક્કો, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિયન્સ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને વિયેતનામવાસીઓને વિઝા મળતા હતા.
તેની પાછળનો હેતુ એ હતો કે કેનેડામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય.
આઇઆરસીસીનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ કાર્યક્રમની અખંડિતતા મજબૂત કરવાનો, વિદ્યાર્થીઓ વચ્ચેની વિવિધતા ઘટાડવાનો અને બધા વિદ્યાર્થીઓ માટે અરજી નિષ્પક્ષ બનાવવાનો છે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા મુજબ હાલમાં ૪,૨૭,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં ભણી રહ્યા છે.
એસડીએસ હેઠળ અરજીઓનો સ્વીકૃતિ દર સૌથી વધુ ૯૫ ટકા હતો. તેનું ચાર અઠવાડિયામાં પ્રોસેસિંગ થતું હતું. હવે વિદ્યાર્થીઓની અરજીઓ નિયમિત સ્ટ્રીમ હેઠળ પ્રોસેસ કરવામાં આવશે.
ગ્લોબલ ઇમિગ્રેશન કોર્પોરેશનના અધ્યક્ષ નરેશ ચાવડા મુજબ આ એક ખાસ કાર્યક્રમને કેનેડાએ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓની કેનેડાની દોટમાં ઘટાડો થાય તેમ છે. તેઓ બીજા દેશ તરફ વળી શકે છે.
આઇઆરસીસીએ ૨૦૨૫ માટે સ્ટડી પરમિટ જારી કરવાની સંખ્યા ઘટાડી ૪,૩૭,૦૦૦ કરી હતી. તે અગાઉના વર્ષના ૪,૮૫,૦૦૦થી ઓછી છે. આ ઉપરાંત એપ્રિલથી જુન વચ્ચે જારી કરવામાં આવેલી સ્ટડી પરમિટમાં ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦,૩૪૦થી ઘટીને ૫૫,૯૪૦ થઈ છે.
આ પહેલા આઇઆરસીસીએ ૧૮ સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે ૨૦૨૫ માટે સ્ટડી પરમિટ જારી કરવાની સમયમર્યાદા ઘટાડી શકાય છે. તેમા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦,૩૪૦થી ઘટાડીને ૫૫,૯૪૦ કરવામાં આવી છે. જો કે આ સંખ્યા ૨૦૧૫ પહેલા બમણી છે. આઇઆરસીસીએ ડિસેમ્બર ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી નવી સ્ટડી પરમિટ અને અરજીઓ માટે સિંગલ અરજદાર પાસે ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર (લગભગ રુ. ૧૨.૭ લાખ)ની રકમ બતાવવી અનિવાર્ય હશે. આ પહેલા આ રકમ ૬.૧૪ લાખ (૧૦,૦૦૦ ડોલર) હતી.
આ ઉપરાંત ઓક્ટોબર ૨૦૨૩માં જાહેરાત કરવામાં આવી હતી કે ડિસેમ્બર ૨૦૨૩થી બધા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાનોએ દરેક અરજદારે સ્વીકાર્યતા પત્ર આઇઆરસીસીના માધ્યમથી જ આપવો. કેનેડાએ આંતરરાષ્ટ્રી વિદ્યાર્થીઓ અંગે લીધેલા નિર્ણયનો પ્રભાવ આગામી સમયમાં પડી શકે છે. ઇમિગ્રન્ટ્સ સ્ટુડન્ટ્સનો મુદ્દો કેનેડાના રાજકારણમાં પણ હાવી રહ્યો છે. આગામી ઓક્ટોબર ૨૦૨૫માં જ્યારે તેની ચૂંટણી યોજાશે ત્યારે આ મુદ્દો મુખ્યત્વે ચર્ચાનો વિષય હશે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh