Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:33 am

LATEST NEWS
Lifestyle

ગિરનાર લીલી પરિક્રમામાં લોકો માટે વન વિભાગ : અભયારણ્ય વિસ્તારમાં ૭૫ અન્નક્ષેત્રોને આપેલી મંજૂરી, ૧૪૬૭૨ યાત્રિકોને સારવાર અપાઈ

Facebook
Twitter
WhatsApp
Email

ગિરનાર લીલી પરિક્રમામાં લોકો માટે વન વિભાગ : અભયારણ્ય વિસ્તારમાં ૭૫ અન્નક્ષેત્રોને આપેલી મંજૂરી, ૧૪૬૭૨ યાત્રિકોને સારવાર અપાઈ

ગિરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો -સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે.

સૌરાષ્ટ્ર- સોરઠના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાય નથી. ગિરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો -સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમમાં આવેલા 14672 યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.

ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ ઉપર જુદા-જુદા પડાવ ખાતે યાત્રિકોને ભોજન મળી રહે તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા 75 જેટલા અન્નક્ષત્રોને મંજૂરી આપવામાં આવી છે. પ્રકૃતિ અને કુદરતના ખોળે પુણ્યનું ભાથું બાંધવા આવતા ભાવિકોના હૈયે અનેરો આનંદ અને ભક્તિ ભાવ રહેલો હોય છે.

આ સંદર્ભે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર-ડો વિશાલ જોશી કહે છે કે, સૌરાષ્ટ્ર સોરઠ ભૂમિના સંતો મહંતોએ ભજન સાથે ભોજનની શરૂ કરેલી પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. જે ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં બખૂબી જોવા મળે છે. આ ભૂમિના પરબના દેવીદાસ બાપુ અને અમર માં, સતાધારના આપાગીગા, વીરપુરના જલારામ બાપા, મેકરણ દાદા, અમૃતગીરી બાપુ, ત્રિલોકનાથ બાપુ, કશ્મીરી બાપુ વગેરે સંતોએ ભજન સાથે ભોજનની પરંપરાને ઉજળી કરી છે.

ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર ચાલતા અને સમરસતાના શ્રેષ્ઠત્તમ પ્રતીક એવા અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિની પણ ઝાંખી કરાવે છે. તેમ પણ ડો. જોષીએ ઉમેર્યું હતું. ગિરનાર પણ દત્ત ભગવાનની ઉપાસનાનું કેન્દ્ર છે, ગિરનાર પર કમંડળ કુંડ ખાતે ભારતના પ્રાચીનતમ અને સૌથી વધુ ઊંચાઈ પર આવેલા અન્નક્ષેત્ર તરીકે ગણના થાય છે. ઉપરાંત અખાડાઓમાં પણ ભજન સાથે ભોજનની પરંપરા રહી છે. તેનો પણ ડો. જોશીએ ઉલ્લેખ કર્યો હતો.

પૌરણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ શરૂ કરેલી ગિરનાર લીલી પરિક્રમા અને ભક્ત નરસિંહ મહેતાએ પોષેલી પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. એક સમયે ગિરનાર આ લીલી પરિક્રમા સાધુ સંતો અને તેમના ભક્તો-સેવકો પૂરતી મર્યાદિત હતી. જેમાં આજે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. સૌરાષ્ટ્ર- સોરઠની ભૂમિનો કવિઓએ પણ એટલે જ મહિમાગાન કરતા કહ્યું છે કે, સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, તેનો અફળ ગયો અવતાર

ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે 16 જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે. ગિરનાર લીલી પરિક્રમામાં તારીખ 11, 12 અને 13 નવેમ્બર સુધીમાં 14672 યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના દુ:ખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક પર હંગામી દવાખાના કાર્યરત છે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ છે. આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા માટે ૧૨ જેટલી એમ્બ્યુલન્સ પણ પરિક્રમા રૂટ પર ડેપ્યુટેડ છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment