Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:00 pm

LATEST NEWS
Lifestyle

યુપીમાં પથ્થરમારા બાદ લાઠીચાર્જ, મહારાષ્ટ્રમાં ફિલ્મ સ્ટાર્સ અને દિગ્ગજોની અપીલ બાદ પણ નીરસ મતદાન

Facebook
Twitter
WhatsApp
Email

યુપીમાં પથ્થરમારા બાદ લાઠીચાર્જ, મહારાષ્ટ્રમાં ફિલ્મ સ્ટાર્સ અને દિગ્ગજોની અપીલ બાદ પણ નીરસ મતદાન

મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

યુપીમાં પેટાચૂંટણી: મુઝફ્ફરનગરમાં મતદાનની વચ્ચે હોબાળા બાદ પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ 

યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં અત્યંત નીરસ મતદાન 

મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે.

રાહુલ ગાંધીની અપીલ 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે ‘તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.’

ભારત રત્ન સચિન તેંડુલકરે કર્યું મતદાન 

ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે, કે ‘તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.’

બિટકોઇન મામલે સુપ્રિયા સુલેની સ્પષ્ટતા 

NCP SP નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે.  જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે.

મારા નામ સામે કાળું નિશાન કરાયું: રોહિત પવાર 

શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે EVM માં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.

ફિલ્મી સિતારાઓ કરી રહ્યા છે મતદાન 

અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.

સલમાન અને શાહરુખ આવે તે પહેલા સુરક્ષા વધારવામાં આવી 

સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ જે બૂથ પર મતદાન કરવાના છે ત્યાં પહેલેથી જ સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને હાલમાં જ ઘણી બધી ધમકીઓ પણ મળી હતી. જેના કારણે પોલીસ હાઇ ઍલર્ટ છે.

નાગપુરમાં સંઘ પ્રમુખે કર્યું મતદાન 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ‘લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું.

PM મોદીએ લોકોને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.

મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી

મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?

ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ

પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.

શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા

શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.

ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે

ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment