ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરામાં પોલીસ-કોર્પોરેશનનું તંત્ર જાગ્યું : બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ, ઠેર-ઠેર ‘તું તું મેં મેં’
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણ બાદ સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી ગઈ કાલે નાગરવાડા મચ્છીપીઠ સલાટવાડા, બહુચરાજી રોડ, સહિતના ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડવાની કામગીરી કરી હતી.
ત્યારબાદ આજે ફતેપુરા સંવેદનશીલ વિસ્તારના દબાણો તોડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનની ટીમ અને પોલીસની કામગીરીનો વિરોધ વ્યક્ત કરી કામગીરી અટકાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે રકઝક અને તું..તું..મે..મેં..ના દ્રશ્યો સર્જાયા હતા.
શહેરના નાગરવાડા અને મચ્છી પીઠ, તાંદળજા બહુચરાજી સ્મશાન રોડ ભુતડી જાપા વિગેરે વિસ્તારમાં ગત બપોર પછી ગેરકાયદે દબાણનો સફાયો કરાયા બાદ સીટી પોલીસના સહયોગથી સંવેદનશીલ ફતેપુરાના મંગળેશ્વર ઝાપાથી સંગમ ચાર રસ્તા વિસ્તાર સુધીના ગેરકાયદે દબાણોનો સફાયો કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયો છે.
હાલ મંગલેશ્વર ઝાપાથી જુની રૂપમ ટોકીઝ સુધીના દબાણોનો સફાયો બપોર સુધીમાં કરાયો છે.
લારી ગલ્લાના દબાણો રોડ રસ્તા પરથી દૂર કરીને તંત્રએ અનેક લારીઓ કબજે કરી છે ઉપરાંત પતરા ના બનાવાયેલા કાચા શેડ પર બુલડોઝર ફેરવી તોડી પડાયા છે.
જોકે ઠેક ઠેકાણે તંત્રની ટીમ સાથે રકઝકના બનાવો પણ બનતા પોલીસે મામલો સંભાળ્યો હતો.
સંવેદનશીલ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણનો સફાયો થતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટતા ગભરાટથી સન્નાટો ફેલાયો હતો.
આજે સંવેદનશીલ મંગળેશ્વર ઝાપાથી સવારે સીટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણ ટીમે કાર્યવાહી શરૂ કરી હતી.
પરિણામે ઠેક ઠેકાણે લોક ટોળા ઉમટયા હતા.
અને કેટલીક જગ્યાએ દબાણ ટીમ સાથે રકઝકના પણ દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ દરમિયાન રોડ રસ્તા પરથી જતા આવતા વાહનો રોકી દેવાયા હતા. હતી.
જોકે સીટી પોલીસ કાફલાએ જે તે જગ્યાએથી મામલો સંભાળી વાહન વ્યવહારને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. પાલિકા ટીમે સવારે બંદોબસ્ત અર્થે એક કલાક જેવી રાહ જોવી પડી હતી.
પરિણામે નિયત સમયે કામગીરી શરૂ શરૂ થવાના બદલે એક કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી.
આ દરમિયાન કેટલાય દબાણ કરનારાઓએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસેડી દીધી હતી.
જોકે પાલિકા દબાણ શાખાની ટીમે ગલી કુચીમા મૂકી રખાયેલી ગેરકાયદે લારીઓ સહિત ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે લીધા હતા.
જ્યારે ગેરકાયદે થયેલા પતરાના અનેક શેડ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
આ વિસ્તારમાં ઓટો રીપેરીંગના ગેરકાયદે અનેક શેડ તોડી પાડવામાં આવ્યા હતા.
દબાણ શાખાની ટીમે અનેક ગેરકાયદે ઓટલા, હંગામી બનાવાયેલા શેડ સહિત લારી-ગલ્લા હટાવીને કબજે કર્યા હતા.
જોકે તંત્ર દ્વારા ગેરકાયદે લારી ગલ્લામાં રખાયેલી ચીજ વસ્તુઓ તથા વેપાર ધંધાના અને અન્ય માલ સામાન કાઢવા માટે સમય આપ્યો હતો.
તંત્ર દ્વારા લારી ગલ્લા શેડ તોડીને માલ સામાન કબજે કરાયો હતો.
મંગળેશ્વર ઝાપાથી વિજયનગર સુધીના ગેરકાયદે દબાણો મોટેભાગે લઘુમતી કોમના છે.
શહેરમાં બિલાડીના ટોપની જેમ સૌથી મોટી સંખ્યામાં અન્ય કોમના માથાભારે તત્વો સહિત ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરનારાઓ દ્વારા ગેરકાયદે દબાણો શહેરના તમામ રોડ રસ્તા પર ખડકાઈ ગયા છે.
ઠેક ઠેકાણે થયેલા આવા ગેરકાયદે દબાણો કરનારા અને તંત્ર વચ્ચે નિયમિત રીતે હપ્તાનું રાજકારણ ચાલતું હોય છે.
ભાજપ માજી નગર સેવક ના પુત્રની હત્યા બાદ પોલીસ અને કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે.
આવા ગેરકાયદે દબાણનો સફાયો કરવાથી પોલીસ અને પાલિકા દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્લાન હોવાનું ખુલ્લેઆમ ચર્ચાય છે.
હપ્તાખોરી બંધ કરવામાં આવે અને દબાણ હટાવો ઝુંબેશ કામગીરી કાયમી ધોરણે સતત ચાલુ રહે તેવી લોક માંગ છે.
ગઈકાલે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં પાંચ ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો હતો જ્યારે આઠ ટુવિલર અને ત્રણ ફોર વીલર ગાડીઓ પણ જપ્ત કરી હતી સાથે સાથે 11 જેટલા ગેર કહી દે શેડ બાંધેલા હતા તે તોડ્યા હતા જ્યારે આજે શરૂ થયેલી કામગીરીમાં ફતેપુરા મંગલેશ્વર ઝાપાથી લઈ સંગમ ચાર રસ્તા સુધીના વિસ્તારમાં થી ત્રણ ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો છે જ્યારે આઠ જેટલા ગેરકાયદે શેડ અને ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી જે આજે મોડી સાંજ સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh