૨૪ યાયાવર પક્ષીઓના શિકાર, આરોપીઓ ફરાર, દ્વારકા નજીક નાગેશ્વરમાં પોલીસ દોડતી થઈ
દ્વારકા નજીક નાગેશ્વરમાં ભીમગજા તળાવની પાછળ મૂળવેલ ચાર પાસેથી છકડા રિક્ષામાં શિકાર કરાયેલા ૨૪ જેટલા કુંજ – કરકરા પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા હતા. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં શિકારીઓ અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા.
અનેક વિદેશી પક્ષીઓ અને ખાસ કરીને માઇગ્રેટરી પક્ષી એવું કુંજ પક્ષી દ્વારકા વિસ્તારમાં શિયાળો ગાળવા માટે આવે છે. ત્યારે દ્વારકા વિસ્તાર આ પક્ષીઓના વસવાટ માટે ઉત્તમ હોય શિયાળાની ઋતુ શરૂ થતાં જ દ્વારકા વિસ્તારમાં આવવાનું ચાલુ થઈ જાય છે. આ પક્ષીઓને સાચવવાએ દ્વારકાવાસીઓની સામાજિક તથા નૈતિક જવાબદારી બને છે. તેમ છતાં અમુક વખત અસામાજિક તત્વો દ્વારા આ વિદેશી પક્ષીઓને જાળમાં ફસાવવામાં આવે છે અને શિકાર કરવામાં આવે છે.
વન વિભાગના સ્ટાફ શિયાળા દરમિયાન આવતા યાયાવર પક્ષીઓના રક્ષણ માટે ફરેણું કરવામાં આવે છે. દરમિયાન વહેલી સવારે ચરકલા, મુળવેલ નાગેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી દરમિયાન દ્વારકા નજીકના નાગેશ્વરના ભીમગજા તળાવની પાછળ મુળવેલ ચાર રસ્તા બાજુ જતા રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વન્યજીવ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા)નો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી.
પેટ્રોલીંગ સ્ટાફ પહોંચે તે પહેલા પકડાઇ જવાના ડરથી શિકારીઓ તેમના માલવાહક રીક્ષા (છકડા) રસ્તા પર છોડી અંઘારાનો લાભ લઈ, નાસી છૂટયા હતા. આ કામગીરીમાં માલવાહક રીક્ષા (છકડા) માંથી ચોવીસ નંગ મૃત વન્યજીવ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા)ના મૃતદેહ મળી આવ્યા હતા. નાસી છૂટેલા અજાણ્યા શખ્સો વિરુધ્ધ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલાની આગેવાની હેઠળ વન વિભાગની ટીમે જરૃરી કાર્યવાહી કરી અને છકડો રિક્ષાને કબ્જે કરી, અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh