ભ્રષ્ઠ વ્યવસ્થાના ખ્યાતિ કાંડમાં ડોક્ટર, સરપંચ અને પીએમજેએવાય ના અધિકારીઓ ની સંડોવણી ખુલી
Ahmedabad Khyati Hospital PMJAY Scam :
ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર નહીં હોવા છતાં એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાનું કૌભાંડ માત્ર હોસ્પિટલ પુરતું સીમિત નથી.
પરંતુ સમગ્ર સિસ્ટમને જ ભ્રષ્ટ પુરવાર કરે એટલું વ્યાપક છે.
ત્યારે કૌભાંડના માસ્ટરમાઈન્ડ એવા ખ્યાતિના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત પાંચ આરોપીની ધરપકડ થયા બાદ બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટ સમક્ષ કાઈમ બ્રાન્ચની રિમાન્ડ અરજીમાં કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
PMJAYના અધિકારીઓની સંડોવણી!
અત્યાર સુધીની તપાસમાં પોલીસને માહિતી મળી છે કે માત્ર પીએમજેએવાય યોજનામાંથી દર્દીને મફત સારવારના નામે સરકાર પાસેથી નાણા પડાવવામાં આવતા હતા.
તેના માટે દર્દીઓ લાવવા 13 ગામોમાં 150 જેટલા મેડિકલ કેમ્પ ખ્યાતિ હોસ્પિટલે કર્યા હતા.
બીજું આ ગામના સરપંચો સાથે સાંઠગાંઠ કરી તેમને પણ કમિશન ચૂકવવામાં આવતા હતા.
ત્રીજું ગામડામાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે રિફર (કે ભલામણ) કરવા માટે ગામડાના 450 જેટલા સ્થાનિક ડોકટરોને પણ કમિશન ચૂકવાતું હતું.
પાંચ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગણતરીની મીનિટમાં જ ખ્યાતિ હોસ્પિટલની ફાઈલને પીએમજેએવાય યોજનામાંથી સરકારની મંજુરી મળે એ માટે સરકારના અધિકારી કે કર્મચારીઓને પણ ફોડી લેવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે જરૂરી તપાસ, પૂછપરછ અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા માટે રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે આરોપી ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, રાહુલ જૈન અને મિલિન્દ પટેલના ત્રણ દિવસ (30મી નવેમ્બર) સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
નવ જેટલા દર્દીઓના મૃત્યુ થયાનું સામે આવ્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક કેમ્પમાંથી લાવેલા ૧૯ દર્દીઓને એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મૂકવામાં આવતા બે દર્દીના મૃત્યુ થયા હતા.
સ્ટેન્ટ મૂકવા માટે દર્દીના સગા કે અન્યની સહમતિ નહીં લીધી હોવાથી હોબાળો મચ્યા બાદ કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસે આ કેસમાં હોસ્પિટલના ડોકટર વજીરાત્રીની ધરપકડ કર્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ કરી હતી અને છેલ્લે નાસતા-ફરતા પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી.
આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા કમરના દુ:ખાવાના દર્દી કે અન્ય દર્દીઓને સ્ટેન્ટ મૂકાયા હોવાની અન્ય ફરિયાદો પણ થઈ હતી.
અત્યાર સુધીમાં જરૂર નહીં હોવા છતાં સ્ટેન્ટ મૂકાતા નવ જેટલા દર્દીઓના મૃત્યુ થયા હોવાની હકીકતો બહાર આવી છે.
કઈ દિશામાં વધુ તપાસ થશે
- કુલ 13 ગામોમાં 150 થયા. કેટલા દર્દીઓને સારવાર મળી, કેટલાને જરૂર નહીં હોવા છતાં સ્ટેન્ટ મૂકાયા.
- આ સિવાય અન્ય કેટલા કેમ્પ યોજાયા કે એવા દર્દીઓને સારવાર આપી જેને સ્ટેન્ટની જરૂર ન હતી.
- કયા અને કેટલા ગામના સરપંચોને કમિશન આપવામાં આવતું.
- નાના ગામડાંના 450 જેટલા સ્થાનિક ડોકટરો સાથે થયેલી આર્થિક લેવડ દેવડ.
- પીએમજેએવાય યોજનાના કયા અધિકારી કે કર્મચારી સાથે સાંઠગાંઠ છે.
- ચિરાગ રાજપૂતના હોપ ફોર હાર્ટ નામના અન્ય ક્લિનિક અને ત્યાંની સંભવિત સંદિગ્ધ કામગીરી.
- સારવાર સમયે, સ્ટેન્ટ મુકાયા બાદ કે અન્ય રીતે કેટલા વ્યક્તિએ જીવ ગુમાવ્યા.
- આ તમામ કેમ્પ અલગ-અલગ ગામોમાં યોજી મોટી સંખ્યામાં દદીઓને હોસ્પિટલ ખાતે લાવી તેઓને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલ છે? શુ આ દદીઓને આપવામાં આવેલી સારવાર તેમના માટે યોગ્ય હતી?
- ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ દ્વારા અલગ-અલગ કેમ્પ કરી ગામના ગરીબ વર્ગના દદીઓને મફત સારવારના બહાને હોસ્પિટલમાં લાવી.
- દદીઓને ગંભીર પ્રકારની બીમારી ન હોવા છતા, તેવી બીમારી હોવાનું દર્શાવી તેઓની તંદુરસ્તી માટે ચિંતા થાય તે રીતે પ્રભાવિત કરી, સરકારી યોજના હેઠળ એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરી સરકારમાંથી કરોડો રૂપિયા મેળવેલ છે.
- રાહુલ જૈન દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને રૂપિયા 3 કરોડની ખોટ ગઈ હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
- જેમાં આરોપી ચિરાગ રાજપૂત અને અન્ય આરોપીઓએ કાવતરું રચી રિપોર્ટ તૈયાર કર્યો હોવાથી તે સહિતના દસ્તાવેજો કબજે કરવાના છે.
આ કૌભાંડનો વ્યાપ
નવ મૃત્યુ, 13 ગામોમાં 150 મેડિકલ કેમ્પ, ગામડાંઓમાં કાર્યરત 450 જેટલા ડોકટરો અને PMJAYના અધિકારી કે કર્મચારીઓ.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh