ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે : ભાગવત
– વસતી અસંતુલન તોડવા નીતિ ઘડવાની સલાહ બાદ સંઘ વડાનું મોટું નિવેદન
– દેશમાં બેરોજગારીની બોલબાલા વચ્ચે ભાગવત વસતી વધારવા કહે છે, યુવાનોને પહેલા નોકરી તો આપો : વિપક્ષ
દેશમાં પ્રજનન દર ૨.૧એ પહોંચી ગયો, આ જ ગતિથી વસતી ઘટતી રહી તો સમાજને નહીં બચાવી શકાય : સંઘવડા
નાગપુરમાં કૂળ સમ્મેલન દરમિયાન સંઘ વડાએ કહ્યું હતું કે કુટુંબ સમાજનો હિસ્સો છે, વસતી ઘટવી તે ચિંતાજનક બાબત છે.
લોકસંખ્યા શાસ્ત્ર કહે છે કે જો આપણે ૨.૧ની નીચે જઇશું તો સમાજનો નાશ થઇ જશે.
સમાજનો કોઇ નાશ નહીં કરે તે ખૂદ આપમેળે નાશ પામશે.
આપણા દેશમાં વસતી નીતિ ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રજનન દર ૨.૧થી નીચે ના જવો જોઇએ.
આપણે બેથી વધારેની જરૂર છે અને તે છે ત્રણ. આ નંબર બહુ જ મહત્વનો છે અને તો જ સમાજ ટકી શકશે નહીં તો તેનો નાશ થશે.
ભાગવતે કહ્યું હતું કે દેશનો વસતી વૃદ્ધિ દર ૨.૧ની નીચે ના જાય તે માટે બેથી વધુ એટલે કે ત્રણ બાળકો પેદા કરવા પડશે.
સંઘ વડા અગાઉ પણ વસતી વધારા મુદ્દે નિવેદન આપી ચુક્યા છે.
તેમણે વર્ષ ૨૦૨૨માં નાગપુરમાં દશેરા રેલીને સંબોધતા કહ્યું હતું કે સમાજ વચ્ચે વસતીમાં અસંતુલન મહત્વપૂર્ણ વિષય છે અને તેને નકારી ના શકાય.
વસતીમાં અસંતુલન ભૌગોલિક સ્થિતિમાં બદલાવ લાવે છે.
વસતીના આ અસંતુલનને અટકાવવા માટે તમામ સમાજના લોકો માટે નવી વસતી નીતિ લાવવાની જરૂર છે.
ચીનની એક પરિવાર એક બાળક નીતિ પર સવાલ ઉઠાવતા ભાગવતે કહ્યું હતું કે જ્યારે આપણે વસતી પર કાબુ મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે શું થાય છે તે જોવા ચીનમાં જે થઇ રહ્યું છે તેને જોવુ જોઇએ.
ચીને એક જ બાળક પેદા કરવાની નીતિ અપનાવી હતી, જેને કારણે આજે ત્યાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે.
બીજી તરફ મોહન ભાગવતના આ નિવેદનને લઇને વિપક્ષે પણ જવાબ આપ્યો હતો.
કોંગ્રેસે કહ્યું હતું કે પહેલા જે લોકો છે તેમને તો નોકરી પુરી પાડો, નોકરીઓ છે નહીં, લોકો પાસે જે જમીન છે તે વસતીના પ્રમાણમાં ઘટવા લાગી છે.
કોંગ્રેસના નેતા ઉંમગ સિંઘારે કહ્યું હતું કે મોહન ભાગવત ઇચ્છે છે કે બેથી વધુ બાળકો પેદા કરવામાં આવે.
દેશમાં પહેલાથી જ બેરોજગારી વધુ છે, આજે જે યુવાઓ છે તેમને તો નોકરી પુરી પાડો.
ચીને વસતી વધારા પર કાબુ મેળવ્યો છે અને મહાશક્તિશાળી બન્યો છે.
મારી તો સલાહ છે કે મોહન ભાગવત હોય, નરેન્દ્ર મોદી હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય સૌથી પહેલા શરૂઆત કરે.
જો તેમને વસતીની આટલી જ ચિંતા હોય તો તેમનાથી શરૂઆત થવી જોઇએ.
એઆઇએમઆઇએમના સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું હતું કે મોહન ભાગવત વસતી વધારવા માગે છે .
પરંતુ તેનાથી બાળકોને કોઇ ફાયદો થશે? શું ગરીબ પરિવારોને દર મહિને ૧૫૦૦ રૂપિયા આપશો?
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh