વૈશ્વિક શસ્ત્ર-ઉત્પાદન, ૬૩૨ બિલિયન ડૉલર્સ પહોંચ્યું અનેક સ્થળોએ થઈ રહેલાં યુદ્ધો, સંઘર્ષો કારણરૂપ છે
– અમેરિકાએ 317 બિલિયનનાં શસ્ત્રો 2023માં બનાવ્યાં, જ્યારે ચાયનાએ 103 બિલિયન, અને ભારતે માત્ર 6.7 બિલિયનનાં શસ્ત્રો બનાવ્યાં
નવીદિલ્હી : ૨૦૨૩નાં વર્ષમાં વૈશ્વિક શસ્ત્ર ઉત્પાદન વધીને ૬૩૨ બિલિયન ડોલર્સ સુધી પહોંચ્યું છે. ૨૦૨૨ના પ્રમાણમાં તેમાં ૪.૨ ટકાનો વધારો નોંધાયો છે. તેમ સ્ટોકહોમ સ્થિત ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઇપીઆરઆઈ) જણાવ્યું છે. અનેક સ્થળોએ થઈ રહેલાં યુદ્ધો, અને સંઘર્ષો તે માટે કારણરૂપ છે. તેમ પણ આ સંશોધન સંસ્થાએ જણાવ્યું છે. વિશેષત: યુક્રેન-યુદ્ધ, ઇઝરાયલ હમાસ યુદ્ધ અને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં વધી રહેલી તંગદિલી તેમાં મુખ્ય કારણો છે.
આ ‘સિપ્રી’નો અહેવાલ વધુમાં જણાવે છે કે, વૈશ્વિક શસ્ત્ર ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન અમેરિકા કરે છે. તેણે ૨૦૨૩માં ૩૧૭ બિલિયનનાં શસ્ત્રો બનાવ્યાં છે. ‘સિપ્રિ’એ ૧૦૦ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓનાં નામ આપ્યાં છે. જે પૈકી ૪૧ કંપનીઓ તો એકલાં યુએસમાં જ છે.
‘સિપ્રી’એ દર્શાવેલી ૧૦૦ કંપનીઓ પૈકી ૫૦ કંપનીઓ ૩૧૭ બિલિયનનાં શસ્ત્રો બનાવે છે.
આ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ અમેરિકાની લોકહીડ-માંર્ટિન, રેથિઓન કંપનીઓને સૌથી વધુ ફાયદો થયો છે. યુક્રેન અને મધ્યપૂર્વમાં મોકલાતાં અઢળક શસ્ત્રો તે માટે કારણરૂપ છે. તેમ કહેતાં આ સંસ્થા જણાવે છે કે, યુક્રેન યુદ્ધને લીધે અમેરિકા અને તેના ‘નાટો’ સાથીઓ વધુને વધુ શસ્ત્રો ખરીદી રહ્યાં છે. જોકે સપ્લાય ચેઈન કોઈ કોઈવાર તૂટવાને તેમજ કુશળ કામદારોની ખેંચને લીધે સતત વધી રહેલી શસ્ત્ર-માગમાં અવરોધ રૂપ બને છે.
ચીને પણ શસ્ત્ર-ઉત્પાદનમાં ઘણી દોટ મૂકી છે. યાદીમાં જણાવેલી ૧૦૦ કંપનીઓ પૈકી ૯ કંપનીઓ તે લિસ્ટમાં છે. તેનું શસ્ત્ર ઉત્પાદન ૧૦૩ બિલિયન ડોલર્સ (૨૦૨૩માં) નોંધાયું હતું. જ્યારે ભારતની માત્ર ત્રણ જ કંપનીઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેકટ્રોનિક્સ અને ભારત ડાયનેમિક્સ (ત્રણે લિસ્ટેડ કંપનીઓ) એ મળી ૨૦૨૨માં માત્ર ૬.૭ બિલિયન ડોલર્સનું શસ્ત્ર ઉત્પાદન કર્યું હતું. જે ચીન કરતાં ત્રીજા ભાગનું છે. ભારત સરકારે ‘મેઈક-ઈન-ઈન્ડિયા’નું અભિયાન હાથ ધર્યું છે. તેથી તેનાં શસ્ત્ર ઉત્પાદનની રફતાર વધવા સંભવ છે.
અહેવાલ ફરી એક વખત કહે છે કે, વૈશ્વિક સ્તરે સંઘર્ષ વધી રહ્યાં છે તેમજ નાના દેશોમાં પણ સતત અથડામણો આવી રહી છે. તેથી વૈશ્વિક ઉત્પાદન દર કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh