ડાકોર પાલિકા વિસ્તારમાં ૧૦૦ થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
– પાલિકા અને વહીવટી તંત્રની બીજા દિવસે કામગીરી
– હટાવેલા દબાણોને 8 ટ્રેક્ટરમાં ભરી પાલિકાની પાછળ મૂકાયા : ફ્લાયઓવર નીચેનો રસ્તો ખૂલ્લો કરાયો
ડાકોરમાં તંત્ર દ્વારા ગુરૂવારે પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી.
પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને ગાંધીજીના સ્ટેચ્યુથી ગણેશ ટોકીઝ, વાટા રોડ, ગોમતીઘાટ, બસ સ્ટેન્ડ ચોકડી સુધીમાં લારી-ગલ્લાં, ટેબલો, વરસાદી શેડ સહિતના કાચા-પાકા ૧૦૦થી વધુ દબાણો દૂર કરાયા હતા.
તેમજ ફ્લાયઓવરની નીચે કરાયેલા દબાણોને હટાવીને માર્ગ ખૂલ્લો કરાયો હતો.
હટાવાયેલા દબાણોના ૮ ટ્રેક્ટર ભરીને પાલિકાની પાછળ મૂકવામાં આવ્યા હતા.
ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ દ્વારા દુકાનોની બહાર રોડની સાઈડ પર માલસામાન મૂકી દબાણ કરતા હતા.
કેટલાક વાહનચાલકો અને યાત્રાળુઓ સાથે ઝઘડા કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
તેમજ પોતાની દુકાનની બહાર લારીવાળાઓને ઉભા રાખી દૈનિક રૂ.૧૦૦ થી ૨૦૦ ઉઘરાવતા હોવાના આક્ષેપો ઉઠયા હતા.
વારંવારની ફરિયાદોના પગલે આખરે તંત્ર જાગ્યું હતું અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
બીજી તરફ, તંત્રને માત્ર લારી-ગલ્લાંનું દબાણ જ દેખાય છે, ખરેખર સિટી સર્વે રેકર્ડ આધારિત દબાણ ખસેડવાની કામગીરી કરવામાં આવે તો ડાકોરના રસ્તાઓ ઉપર ખડકાયેલા મોટાભાગના દબાણો નીકળી શકે છે તેવા આક્ષેપો લારી-ગલ્લાંધારકોએ લગાવ્યો હતો.
તેમજ સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ માત્ર દેખાવ માટે રસ્તા પર નીકળ્યા હોય તેવો રોષ ઠાલવ્યો હતો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh