અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને જ થયો ડેન્ગ્યુ, 68થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં વરસાદે વિરામ લેતા હવે રોગચાળાએ માઝા મૂકી છે. રાજ્યના વિવિધ શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવી છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં ડેન્ગ્યુ મેલેરિયા થતા મચ્છર મળી આવ્યા છે.
સિવિલમાં ડેન્ગ્યુના દર્દીઓમાં નોંધપાત્ર વધારો
મેટ્રોસિટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવાઈની વાત તો એ છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.
સિવિલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા
મળતા અહેવાલ પ્રમાણે સિવિલ હોસ્પિટલના કેમ્પસના પીજીમાં 68થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે અનેક વખત તંત્રને ફરિયાદ કરી છતાંય સફાઈ થઈ નહોતી. ગંદકીના કારણે હોસ્પિટલનો સ્ટાફ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફ જ માંદા પડ્યા છે.
સિવિલમાં વધતા રોગચાળાને લઈને સેનેટરી ઇન્સ્પેક્ટરને અધિકારીએ ગણાવ્યા જવાબદાર
નોટિસ ફટકાર્યા બાદ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીએ સિવિલ હોસ્પિટલના સેન્ટર ઇન્સ્પેક્ટર અને બીજી મેડિકલના સેનેટરી ઇન્સ્પેક્ટરને ખખડાવ્યા છે. બંનેની કામગીરી યોગ્ય ન હોવાને લઈ જવાબદાર અધિકારી હવે શું એક્શન લેશે તે હવે જોવાનું રહ્યું. સિવિલ હોસ્પિટલમાં વધતા જતા રોગચાળોને લઇ બન્ને સેનેટરી ઇન્સ્પેક્ટરને જવાબદાર ગણ્યા છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh