ગુજરાત હાઇકોર્ટના અમદાવાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામીને આકરા સવાલો, વેપારીએ કરી હતી અરજી.
જેતપુરના એક વેપારી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકમાંથી ફોન કરી અને નોટિસ આપી ફરિયાદીને ૨૧ લાખનું ચૂકવણું કરી દેવા બાબતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા જે મામલે સુનાવણી બાદ હાઇકોર્ટના આદેશ મુજબ અમદાવાદ ગ્રામ્યના ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામી ખુદ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે આકરા સવાલો કર્યા.
“શું હતો મામલો ?”
જેતપુરમાં પાર્ટનરશીપમાં એગ્રો બિઝનેસનો ધંધો કરી રહ્યા હતા જેમાં બાવળામાં રહેતા તેમના ભાગીદાર દ્વારા અરજદાર વિરૂદ્ધ ૨૧ લાખની રિકવરી કરવા માટે જેતપુરમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના પગલે જેતપુર DYSP દ્વારા અરજદારને ફોન કરી પૈસા ચૂકવવા ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ બાવળા અને ચાંગોદર પોલીસ મથકમાંથી પણ ફોન કરવામાં આવ્યા હતા અને ચાંગોદર પોલીસ મથકમાંથી એક નોટિસ પણ જેતપુરના વેપારીને આપવામાં આવી હતી જેની સામે વેપારી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
“ઓર્ડરની કોપી ડી.જી.પી. ને મોકલવા પણ ઉલ્લેખ કરાયો”
સુનાવણીના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોર્ટના ધ્યાને આવ્યું છે કે પોલીસને જે કામગીરી કરવાની થતી હોય છે તેના બદલે અન્ય કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિક અને જાહેરમાં તલવારો અને ફાયરિંગની ઘટનાઓ અટકાવવાના બદલે પોલીસ મોનીટરી ટ્રાન્જેકશન અને ઈનમુવેબલ પ્રોપર્ટીના કેસમાં વધુ રસ દાખવી રહી છે ત્યારે આ મામલે સંજ્ઞાન લઈ અને સબંધિત સત્તાવાળા અધિકારીઓને યોગ્ય નિર્દેશ આપવામાં આવે
તમામ ફરિયાદ રદ્દ કરવામાં આવી હોવાની વિગત અપાઈ
સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા એ દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી કે ૨૧ લાખ મામલે જે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે ડિસ્પોઝડ કરી દેવામાં આવી છે અમે ઉપરી અધિકારીઓને આ અંગે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે અને જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
નોટિસ કેમ ઈશ્યૂ કરી તે અંગે સોગંદનામુ રજૂ કરવા આદેશ
ફરિયાદીની ફરિયાદ બાદ બાવળા અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાંથી અરજદારને ફોન કરવામાં આવતા હતા અને નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હોવાની વાત અરજદારના વકીલે કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું કે, ડી.વાય.એસ.પી. અને પી.આઈ. ને આ મામલે જવાબ રજૂ કરવો પડશે કે રિકવરીના કેસમાં પોલીસે નોટિસ શા માટે મોકલવી પડી.
અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ એ વાત પણ રજૂ કરવામાં આવી કે ચાંગોદર પોલીસ મથકની હદ ન લાગતી હોવા છતાં પણ ચાંગોદર પોલીસ મથકમાંથી ફોન કરવામાં આવતા હતા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી.ને સોગંદનામાં સ્વરૂપે વિગતો રજૂ કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh