Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:12 am

LATEST NEWS
Lifestyle

ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ, ચાર તબીબો સામે પણ કાર્યવાહી : એક્શનમાં ગુજરાત સરકાર , જુઓ કઈ હોસ્પિટલ અને કયા ડોક્ટર વિરુદ્ધ લેવાયા પગલાં

Facebook
Twitter
WhatsApp
Email

ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ, ચાર તબીબો સામે પણ કાર્યવાહી : એક્શનમાં ગુજરાત સરકાર , જુઓ કઈ હોસ્પિટલ અને કયા ડોક્ટર વિરુદ્ધ લેવાયા પગલાં

અમદાવાદની એસ. જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ સાથે જ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. હાલ, આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમાં સ્વાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ

ચાર ડૉક્ટર સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે.

હજુ બીજા કૌભાંડો આવે તેવી સંભાવના

આ મામલો વકરતા આરોગ્ય વિભાગ તાત્કાલિક સક્રિય થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદથી ફ્રી મેડિકલ કેમ્પથી લઈને PMJAY કૌભાંડ સુધીના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હજુ અન્ય કૌભાંડ તેમજ ખ્યાતિ હોસ્પિટલ સિવાયની પણ અન્ય હોસ્પિટલોના તેમાં નામ બહાર આવે તેવી સંભાવના છે.

ખ્યાતિ હોસ્પિટલનો ટાર્ગેટ

નોંધનીય છે કે સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહ્યા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂકીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, દર્દીઓને સ્ટેન્ટ મૂકનાર ડૉ.પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડૉક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતાં.

ગામડામાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટે ડો.વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં જતો

એવી જાણકારી મળી છે કે, ગામડાઓમાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટે ડૉ.પ્રશાંત વજીરાણી દર મંગળવારે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વિઝિટીંગ ડૉક્ટર તરીકે જતાં હતા. આ ખાનગી હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે ડૉ. વજીરાણીને નક્કી કરેલી રકમ અપાતી હતી. બાકી પીએમજેવાયએ યોજના હેઠળ હાર્ટની સર્જરી માટે અપાતાં પેકેજનો મોટો હિસ્સો હોસ્પિટલના સંચાલકોના ખિસ્સામાં જતો હતો.

હોસ્પિટલના માલિક-સંચાલકો ડૉક્ટરોને હાર્ટ સર્જરી માટે ચોક્કસ ટાર્ગેટ આપે છે. માલિકોના દબાણને કારણે ડોક્ટરો આડેધડ રીતે દર્દીઓની સર્જરી કરી નાંખે છે. આ કારણોસર જ સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલનો સોફ્ટ ટાર્ગેટ રહ્યો હતો કેમ કે, મફત સારવારના નામે હૃદય રોગની તકલીફનો ડર દેખાડી દર્દીઓની બારોબાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી.  ફ્રી મેડિકલ કેમ્પના બહાને ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ લાવવાનું આખુંય નેટવર્ક ગોઠવાયા પછી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોનો એક જ મંત્ર રહ્યો હતો કે, હૃદયરોગનો ડર દેખાડોને સ્ટેન્ટ નાંખો, બસ આ મંત્ર થકી અન્ય રોગના દર્દીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતાં. આખરે દર્દીઓનો મૃત્યુ પછી આખોય ભંડાફોડ થયો હતો.

ડાયરેક્ટર મિલિંદ પટેલની શંકાસ્પદ ભૂમિકા

ખ્યાતિ હોસ્પિટલનો એક જ મંત્ર રહ્યો છે કે, ગરીબોની યોજના થકી અમીર થવુ. નાણાં કમાવવાની લ્હાયમાં ડૉક્ટરો તો ઠીક, પણ ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ ગરીબ દર્દીઓની સારવારના નામે મોતનો વેપલો કર્યો હતો. તેમાંય હોસ્પિટલના ડાયરેક્ટર મિલિંદ પટેલની પણ શંકાસ્પદ ભૂમિકા રહી હોવાની ચર્ચા છે કેમકે, તેઓ સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ગામડે-ગામડે ફરીને હોસ્પિટલની સેવાઓનો ઘૂમ પ્રચાર કરતાં હતાં. સાથે સાથે ગરીબ દર્દીઓની સેવા કરવાના બહાને ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરતાં હતાં. ફ્રી મેડિકલ કેમ્પ યોજીને હોસ્પિટલ માલિકો-ડાયરેક્ટરો જ ડોક્ટરો પર હાર્ટ સર્જરી કરવા દબાણ કરતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

એક ફ્રી મેડિકલ કેમ્પમાં ઓછામાં ઓછા 8-10 દર્દીને સ્ટેન્ટ મૂકી દેવાતા

ખ્યાતિ હોસ્પિટલે ફ્રી મેડિકલ કેમ્પ માટે કોઈ મંજૂરી જ લીધી ન હતી. આ ઉપરાંત દરેક ફ્રી મેડિકલ કેમ્પમાં ઓછામાં ઓછા દસ-વીસ દર્દીઓઓને અમદાવાદ લાવવામાં આવતાં હતાં. જ્યાં આઠ-દસને બારોબાર સ્ટેન્ટ નાંખી દેવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે. મંજૂરી વિના કણજરી, લક્ષ્મણપુરા, વાઘરોડા સહિત અન્ય ગામડાઓમાં ફ્રી કેમ્પ કર્યા હતાં. ખંડરાવપુરામાં 13 દર્દીઓને હોસ્પિટલ લવાયા જેમાં 4 દર્દીઓને સ્ટેન્ટ નંખાયા હતા. લક્ષ્મણપુરામાં 5 દર્દીને અમદાવાદ લવાયા અને પાંચેય દર્દીની સર્જરી કરવામાં આવી હતી. વાઘરોડામાં 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા અને 20 દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં દર્દીની ભીડ કરવામાં CEO ચિરાગ રાજપૂતની માસ્ટરી

ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતની પણ આખાય પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા રહી છે. આ અગાઉ ચિરાગ રાજપૂત અમદાવાદ શહેરની કેટલીક કોર્પોરેટ હોસ્પિટલમાં CEO તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તબીબોનું કહેવું છે કે, વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો કેવી પ્રચાર કરીને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારવી અને હોસ્પિટલની આવક વધારવી તેમાં ચિરાગ રાજપૂતની માસ્ટરી રહી છે. બે-ચાર હોસ્પિટલમાંથી નોકરી છોડી ચિરાગ રાજપૂતે ખ્યાતિ હોસ્પિટલમાં સીઇઓ તરીકે સારા પેકેજમાં જોડાયા હતાં.

40 ટકાથી ઓછુ બ્લોકેજ હોય તો પણ દર્દીને સ્ટેન્ટ નાંખી દેવાતાં

પીએમજેવાય યોજનાનો ભરપૂર લાભ મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલકોએ ડૉક્ટરોને ખાસ ટાર્ગેટ આપ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, હાર્ટમાં 40 ટકા બ્લોકેજ હોય તો પણ દર્દીને ભવિષ્યમાં હાર્ટ એટેક આવશે તેવો ડર દેખાડી સ્ટેન્ટ નાંખી દેવામાં આવતાં હતાં.

હવે પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કેટલી હાર્ટ સર્જરી કરવામાં આવી છે અને પીએમજેવાયએ યોજના હેઠળ આરોગ્ય વિભાગ પાસેથી કેટલા નાણાં મેળવ્યા છે તેની વિગતોની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. પ્રશાંત વજીરાણીને પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં છે જયારે હોસ્પિટલના માલિક ઓસ્ટ્રેલિયામાં છે. સીઇઓ ચિરાગ રાજપૂત, ડાયરેક્ટર ડૉ. સંજય પટોડિયા સહિત અન્ય ડાયરેક્ટર હજુ ફરાર છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment