ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા ! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચેના સંબંધોને નવેસરથી સુધારવાની દિશામાં એક મોટું પગલું ભરતા બંને દેશોએ સીધી ફ્લાઇટ્સ ફરી શરુ કરવા અને કૈલાશ માનસરોવર યાત્રાને ફરી શરુ કરવા પર ચર્ચા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે તેને ‘નવી શરુઆત’ ગણાવતા સકારાત્મક સંકેત આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની આ મહત્ત્વપૂર્ણ બેઠક બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 શિખર સંમેલન દરમિયાન થઈ હતી. આ બેઠક લદાખના ડેપસાંગ અને ડેમચોક ક્ષેત્રોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ થઈ હતી. આ વિવાદાસ્પદ ક્ષેત્રોમાંથી સૈનિકોની વાપસીએ બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં યોગદાન આપ્યું છે.
કોરોના બાદ અત્યાર સુધી રોકાયેલી છે ફ્લાઈટ્સ અને યાત્રા
કોરોના મહામારીના કારણે 2020માં ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી, જે હજુ સુધી શરુ કરવામાં નથી આવી. એ જ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. ચીનમાં સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તે ભારતીય ભક્તો માટે ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. વિદેશ મંત્રાલય(MEA)ના જણાવ્યા પ્રમાણે બેઠકમાં આ બંને મુદ્દાઓની સાથે-સાથે સરહદ પાર નદીઓ પર ડેટા શેરિંગ અને મીડિયા વ્યક્તિઓના આદાનપ્રદાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
લદાખ સંઘર્ષ બાદ ઉચ્ચ સ્તરીય સંવાદ
નોંધનીય છે કે મે 2020માં લદાખમાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષની શરુઆત થઈ હતી, જેના પછીના મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. ચીન તરફ પણ જાનહાનિ થઈ હતી, પરંતુ તેમના આંકડા સ્પષ્ટ નથી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ યથાવત્ છે અને સૈન્ય સ્તરે વાટાઘાટો થયા હતા. તાજેતરમાં રશિયામાં યોજાયેલ બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત બાદ સંબંધો સુધારવાની દિશામાં એક નવી શરુઆત થઈ છે.
નવી શરુઆત પર ભાર
તાજેતરની બેઠક બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ચીન અને ભારત સંબંધો હવે નવી શરુઆત પર છે. તે બંને દેશોના લોકોના મૂળભૂત હિતમાં છે. આ સાથે જ તે ગ્લોબલ સાઉથના દેશોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે. વિદેશ મંત્રી વાંગ યીએ પણ કહ્યું કે, બંને દેશોએ પોતાના નેતાઓની મહત્ત્વપૂર્ણ સહમતિને પૂર્ણ કરવી જોઈએ, પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવું જોઈએ અને મતભેદોને ઉકેલવા માટે ઇમાનદારી અને વિશ્વાસ સાથે કામ કરવું જોઈએ.
બેઈજિંગથી મળેલા અહેવાલો પ્રમાણે વાંગે જયશંકર સાથેની પોતાની બેઠકમાં કહ્યું કે, ભારત અને ચીને વડાપ્રધાન મોદી અને પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રશિયામાં થયેલી સમિટમાં જે મહત્ત્વની સહમતિ બની હતી તેને લાગુ કરવી જોઈએ. બંને પક્ષોએ બંને નેતાઓ દ્વારા બનાવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ સહમતિને લાગુ કરવી જોઈએ, એકબીજાના હિતોનું સન્માન કરવું જોઈએ અને સંવાદ અને સંચારના માધ્યમથી પરસ્પર વિશ્વાસ વધારવો જોઈએ. મતભેદોને ઇમાનદારી અને નિષ્ઠા સાથે ઉકેલવા જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોને શક્ય તેટલી વહેલી તકે પ્રગતિના માર્ગ પર પાછા લાવવા જોઈએ.
ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ભારત એક બહુધ્રુવીય વિશ્વ અને એશિયા માટે પ્રતિબદ્ધ છે. અમારી વિદેશ નીતિ સિદ્ધાંતવાદી અને સ્વતંત્ર છે. અમે વર્ચસ્વ સ્થાપિત કરવાના એકપક્ષીય અભિગમની વિરુદ્ધ છીએ. બંને મંત્રીઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી છે કે, સંબંધોને સ્થિર કરવા, મતભેદોને સંભાળવા અને વધુ આગળનું પગલું ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બેઠકને ભારત-ચીન સંબંધોમાં સ્થિરતા અને નવી દિશા પ્રદાન કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh