વકફ બોર્ડ બંધારણનો ભાગ નહોતું, કોંગ્રેસે તુષ્ટિકરણ માટે કાયદો બનાવ્યો : મોદી
https://x.com/narendramodi/status/1860366990348628079
– વકફ બિલ મુદ્દે પીએમ મોદીએ વલણ સ્પષ્ટ કર્યું
– કોંગ્રેસના શાહી પરિવારે સત્તાની ભૂખ સંતોષવા સામાજિક ન્યાયની ભાવનાનો કુરચો બોલાવી જાતિવાદનું ઝેર ફેલાવ્યું
– બેંગ્લુરુમાં વિહિપના સંત સંમેલનમાં વકફ બોર્ડ દ્વારા હિન્દુઓની જમીનો કબજે કરવા સામે લડાઈ લડવાનું આહ્વાન
નવી દિલ્હી: સંસદનું સત્ર સોમવારથી શરૂ થવાનું છે, જેમાં મોદી સરકાર વકફ બિલમાં સુધારો રજૂ કરે તેવી સંભાવના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ બિલ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, બંધારણમાં વકફ બોર્ડને કોઈ સ્થાન નથી. બીજીબાજુ વિહિપે બેંગ્લુરુમાં બોલાવેલા સંત સંમેલનમાં વકફ બોર્ડ દ્વારા હિન્દુ જમીનો પર દાવા વિરુદ્ધ લડાઈ લડવાનું આહ્વાન કરાયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ભવ્ય વિજય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના બંધારણમાં વકફ બોર્ડને કોઈ સ્થાન નથી. બંધારણમાં વકફ બોર્ડનો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં કોંગ્રેસે તુષ્ટિકરણ માટે વકફ કાયદો બનાવ્યો અને દેશની સંપત્તિ વકફને સોંપી દીધી.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ વર્ષોથી મુસ્લીમ તુષ્ટીકરણ કરતી આવી છે તેનું ઉદાહરણ વકફ બોર્ડ છે. વકફ કાયદાના કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે વર્ષ ૨૦૧૪ આવતા સુધીમાં આ લોકોએ સરકાર જાય તે પહેલાં દિલ્હીની આજુબાજુની બધી જ સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી દીધી હતી. બંધારણમાં વકફને કોઈ સ્થાન ના હોવા છતાં તુષ્ટિકરણ માટે કોંગ્રેસે વકફ બોર્ડ જેવી વ્યવસ્થા પેદા કરી, જેથી તેની વોટ બેન્ક વધે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાહી પરિવારની સત્તાની ભૂખે સામાજિક ન્યાયની ભાવનાનો કુરચો બોલાવી દીધો. એક સમય હતો જ્યારે કોંગ્રેસના નેતા જ્ઞાાતિના વાડા વિરુદ્ધ બોલતા હતા. આજે આ જ કોંગ્રેસ અને તેનો પરિવાર પોતાની સત્તાની ભૂખ શાંત કરવા માટે જાતિવાદનું ઝેર ફેલાવી રહ્યા છે.
દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ બેંગ્લુરુમાં સંત સંમેલન બોલાવ્યું હતું. જેમાં વકફ બોર્ડ દ્વારા હિન્દુઓની જમીનો પર દાવા કરવા સામે લડાઈ લડવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારને વકફ કાયદામાં સંશોધનના નિર્ણયનું સમર્થન કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
હિન્દુ સંતોએ જણાવ્યું હતું કે, હિન્દુઓ, હિન્દુ મંદિરો, હિન્દુ સંગઠનો અને ખેડૂતોની જમીન પરનો કબજો પાછો લેવામાં ના આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.બીજીબાજુ બિહારની રાજધાની પટનામાં જમીઅત ઉલેમા-એ-હિન્દની પ્રેસ કોન્ફરન્સમાં મૌલાના અરશદ મદનીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, આ દેશની આઝાદીમાં મુસ્લિમોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
કોંગ્રેસની સ્થાપના નહોતી થઈ ત્યારથી અમે આઝાદીની લડાઈ લડયા છીએ. મોદીજી કહે છે વકફ જેવી કોઈ વસ્તુ નથી. આ બાબત આશ્ચર્યજનક છે. કાલે તેઓ કહેશે કે જકાત અને નમાઝનો રિવાજ નથી તો શું તેને પણ રોકી દેશો?
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh