russias massive airstrike leaves one million homes in ukraine without power
રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો , ૧૦૦ મિસાઈલ ૯૦ ડ્રોન ઝીંક્યા, યુક્રેનના ૧૦ લાખ ઘરોમાં વીજળી ડૂલ
– એક સાથે 100 મિસાઇલ અને 90 ડ્રોન ત્રાટક્યા
– યુક્રેન એરફોર્સનો 76 મિસાઇલ અને 62થી વધુ ડ્રોનને ખતમ કરવાનો દાવો: અઠવાડિયામાં બીજો જંગી હુમલો
– યુક્રેનનો રશિયા પર શિયાળાને શસ્ત્ર બનાવવાનો આરોપ ચાલુ વર્ષે રશિયાના વીજ ઇન્ફ્રા. પર 11 મોટા હુમલા
કીવ : રશિયાએ ગુરુવારે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર 200 મિસાઇલ અને ડ્રોન સાથે હુમલો કર્યો હતો. યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાના લીધે તેના 10 લાખ ઘરો વીજવિહોણા થઈ ગયા છે. છેલ્લા બે સપ્તાહમાં રશિયાનો યુક્રેનની પાવર ગ્રિડ પર બીજો સૌથી મોટો હુમલો છે. તેના લીધે રશિયા શિયાળા પહેલા યુક્રેનને વીજ કટોકટીમાં ધકેલી દેવા માંગતુ હોવાની સંભાવના વધી ગઈ છે.
રશિયાએ અગાઉના વર્ષોમાં પણ યુક્રેનની વીજ ઉત્પાદન ક્ષમતાને લક્ષ્યાંક બનાવી હતી. તેની પાછળ તેનું ધ્યેય નાગરિકોને શિયાળાના મહિનાઓ દરમિયાન હીટિંગની સગવડ ન મળે અને ગરમાગરમ પાણી ન મળે તેનું છે. આ રીતે તે યુક્રેનનો સ્પિરિટ તોડવા માંગે છે. આ હુમલાઓએ યુક્રેનના સરંક્ષણ ઉદ્યોગને વધુને વધુ ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવાની ફરજ પાડી છે. યુક્રેનનો સંરક્ષણ ઉદ્યોગ મિસાઇલ, ડ્રોન અને સશસ્ત્ર વાહનોની સાથે અન્ય મિલિટરી એસેટ્સનું પણ ઉત્પાદન કરે છે.
યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં કેલિબર ક્રુઝ મિસાઇલ એકસાથે સિવિલિયન ટાર્ગેટ્સ પર ત્રાટક્યા હતા. આ મિસાઇલોના ક્લસ્ટર મ્યુનિશન્સે મોટાપાયા પર નાના બોમ્બ રિલીઝ કર્યા હતા, જે નાગરિકો માટે હુમલા પછી પણ જોખમી નીવડે છે. પુતિને દાવો કર્યો હતો કે તેમના દળોએ ૧૭ યુક્રેનિયન લક્ષ્યાંકો પર હુમલા કર્યા હતા, તેમા મિલિટરી ફેસિલિટીઝ અને સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ૧૦૦ મિસાઇલ અને ૯૦ ડ્રોન વડે આ હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયાએ આ વર્ષે યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર કરેલો ૧૧મા નંબરનો સૌથી મોટો સુનિયોજિત હુમલો હતો. યુક્રેનની એરફોર્સનો દાવો છે કે તેણે ૭૬ ક્રુઝ મિસાઇલ તોડી પાડયા હતા અને આ સિવાય અન્ય પ્રકારના બીજા ત્રણ મિસાઇલ તથા ૩૨ ડ્રોન તોડી પાડયા હતા. આ સિવાય ૬૨ રશિયન ડ્રોન ઇલેક્ટ્રોનિકલી જામ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. બંને પક્ષના દાવામાંથી એકની પણ સ્વતંત્ર ખરાઈ થઈ શકે તેમ નથી.
યુક્રેનના અધિકારીઓએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઇલોનો જથ્થો એકત્રિત કરી રહ્યુ છે. તે યુક્રેનની પાવર ગ્રિડ સામે પ્રી-વિન્ટર એરિયલ કેમ્પેઇન ચલાવવાની તૈયારીમાં છે. આ હુમલો તેનો પ્રારંભ છે. યુક્રેનના અધિકારીઓ ભૂતકાળમાં પણ રશિયા પર શિયાળાને શસ્ત્ર બનાવવાનો આરોપ મૂકી ચૂક્યા છે. આ પ્રકારના જંગી હુમલા યુદ્ધમાં નિયમિત બની ગયા છે.
રશિયા સાથેના યુદ્ધના લગભગ ત્રણ વર્ષ દરમિયાન યુક્રેનનું અડધા ઉપરાંતનું વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ખતમ થઈ ગયું છે. તેના લીધે ઇલેક્ટ્રિસિટી બ્લેકઆઉટ સામાન્ય બાબત બની ગઈ છે. કીવ પશ્ચિમી સહયોગીઓ સાથે સતત પ્રયત્ન કરતું રહ્યું છે કે એર ડિફેન્સ સિસ્ટમ સાથે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચરનું રક્ષણ કરવામાં આવે અને તેના રિબિલ્ડિંગને ફંડિંગ પૂરુ પાડવામાં આવે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh