Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:16 am

LATEST NEWS
Lifestyle

ડોલરને ડામાડોળ કરશો તો ધંધો નહીં કરવા દઉં

Facebook
Twitter
WhatsApp
Email

ડોલરને ડામાડોળ કરશો તો ધંધો નહીં કરવા દઉં

– ભારત સહિત બ્રિક્સ દેશોને અમેરિકામાં નિકાસ પર ૧૦૦ ટકા ટેરીફ લાદવાની ટ્રમ્પની ધમકી

– બ્રિક્સ દેશોનું સંયુક્ત અર્થતંત્ર ૨૮.૫ લાખ કરોડ ડોલર અને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ૪૪ ટકા ભાગીદારી છતાં વૈશ્વિક વેપારમાં ડોલરનું પ્રભુત્વ

– બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરનું સ્થાન લઈ શકે છે તેવી કોઈ સંભાવના નથી : ટ્રમ્પ

વોશિંગ્ટન: યુએસ ડોલરને નબળો પાડવાની બ્રિક્સ દેશોની હિલચાલથી ધૂંઆપૂંઆ થયેલા અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને અન્ય કોઈ ચલણનો ઉપયોગ કરવા સામે અમેરિકામાં વેપાર બંધ કરી દેવા અને અમેરિકામાં નિકાસ પર ૧૦૦ ટકા ટેરીફ લાદવાની ખુલ્લી ધમકી આપી છે. આ સાથે તેમણે ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલને સમાવતા બ્રિક્સ દેશો પાસેથી ભવિષ્યમાં પણ અમેરિકન ડોલર વિરુદ્ધ કોઈ ચલણનો ઉપયોગ નહીં કરવાની ખાતરી પણ માગી છે. વર્ષ ૨૦૦૯માં રચાયેલું બ્રિક્સ એકમાત્ર મોટું આંતરરાષ્ટ્રીય જૂથ છે, જેમાં અમેરિકા સભ્ય નથી. ડોલરના સંદર્ભમાં અમેરિકાએ અન્ય દેશોને પણ આ ધમકી આપી છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પછી હવે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી છે. બ્રિક્સ દેશો દુનિયામાં ડોલરનું પ્રભુત્વ ઘટાડવા માટે બ્રિક્સના નવા ચલણની સંભાવનાઓ ચકાસી રહ્યા છે તેવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો અમેરિકન ડોલરને બદલવા કોઈ નવું ચલણ લોન્ચ કરશે તો આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે. અમેરિકન ડોલરને નબળો કરવાનું કોઈપણ કાવતરું સાંખી નહીં લેવાય.

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા વર્ષ ૨૦૦૯માં સ્થાપિત આ વૈશ્વિક જૂથમાં ઈરાન, યુએઈ, ઈજિપ્ત, ઈથોપિયા જેવા દેશો પણ જોડાયા છે. વધુમાં અઝરબૈજાન, તૂર્કીયે અને મલેશિયા જેવા દેશોએ તેમાં જોડાવા અરજી કરી છે. વિશ્વમાં આ એકમાત્ર મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જૂથ છે જેમાં અમેરિકા સભ્ય નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ચીનના નેતૃત્વમાં બ્રિક્સ દેશો ડોલરનું મહત્વ ઘટાડવા માટેના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે, જેના ભાગરૂપે બ્રિક્સનું પોતાનું બ્રિક્સ ચલણ બનાવવાની પણ તૈયારી કરાઈ રહી છે. જોકે, મુખ્યત્વે રશિયા અને ચીન સમર્થિત આ પહેલમાં હજુ સુધી ભારત જોડાયું નથી.

બ્રિક્સ દેશોનું કહેવું છે કે વૈશ્વિક સંગઠનો પર પશ્ચિમી દેશોનું પ્રભુત્વ છે. જોકે, વિકાસશીલ દેશોને યોગ્ય પ્રભુત્વ મળવું જોઈએ. બ્રિક્સ દેશોનું સંયુક્ત અર્થતંત્ર ૨૮.૫ લાખ કરોડ ડોલર અથવા વૈશ્વિક અર્થતંત્રના ૨૮ ટકા જેટલું છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પણ બ્રિક્સ દેશોની ભાગીદારી ૪૪ ટકા છે, તેમ છતાં વૈશ્વિક વેપાર પર અમેરિકન ડોલરનું પ્રભુત્વ છે. ડોલરના આ પ્રભુત્વને ખતમ કરવા માટે નવી કરન્સી સિસ્ટમ વિકસાવવાની માગ ઊઠી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં લખ્યું, બ્રિક્સ દેશ ડોલરથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમે ઊભા રહીને જોતા રહીશું એવો વિચાર હવે ખતમ થઈ ગયો છે. આ દેશોએ એ કટીબદ્ધતા બતાવવી પડશે કે તેઓ ન તો કોઈ નવી બ્રિક્સ કરન્સી લાવે, કે નહીં શક્તિશાળી અમેરિકન ડોલરની જગ્યાએ અન્ય કરન્સીનું સમર્થન કરે. બ્રિક્સ દેશો ડોલરને નબળો પાડીને અન્ય કોઈ ચલણનો ઉપયોગ કરશે તો તેમણે ૧૦૦ ટકા ટેરિફનો સામનો કરવો પડશે અને તેમણે શાનદાર અમેરિકન અર્થતંત્રમાં ઉત્પાદનો વેચવાને ગૂડબાય કહેવા માટે તૈયાર રહેવું પડશે. એટલે કે તેમણે અમેરિકામાં ધંધો બંધ કરી દેવો પડશે. તેઓ અન્ય કોઈ મૂર્ખને શોધી શકે છે. બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરનું સ્થાન લઈ શકે છે તેવી કોઈ સંભાવના નથી અને જે પણ દેશ એવું કરવાનો પ્રયત્ન કરશે તેણે અમેરિકાને અલવિદા કહી દેવું પડશે.

દુનિયાભરમાં વેપાર, આંતરરાષ્ટ્રીય ચૂકવણી, દેવું અને આયાત-નિકાસ મોટાભાગે અમેરિકન ડોલરમાં થાય છે. વૈશ્વિક ચલણ ભંડારમાં ડોલરની ભાગીદારી ૫૯ ટકા છે અને દુનિયામાં કુલ ઋણના ૬૪ ટકા ડોલરમાં નોંધાય છે. આ સિવાય ૫૮ ટકા આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ પણ ડોલરમાં થાય છે. વિદેશી લેવડ-દેવડમાં ડોલરનું યોગદાન ૮૮ ટકા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ભારત જેવા વિકાસશિલ દેશો માટે ચિંતાજનક છે, કારણ કે ભારત અમેરિકા પાસેથી આયાત કરવાની સાથે મોટા પ્રમાણમાં અનેક સામાનની નિકાસ પણ કરે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૧૮.૩ અબજ ડોલરનો હતો. આ સમયે ભારતે અમેરિકામાં ૪૧.૬ અબજ ડોલરની નિકાસ કરી હતી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment