સુનિતા વિલિયમ્સ હવે ૨૦૨૫ ના નવા વર્ષે સ્પેસવોક્સ કરશે
– પોતાના સ્પેસસ્યુટનું નિરીક્ષણ કર્યું : બીજા અવકાશયાત્રીઓ પણ વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ રિસર્ચ(નાસા)નાં અવકાશયાત્રી અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)નાં કમાન્ડર સુનિતા વિલિયમ્સ હવે સ્પેસવોક્સની તૈયારી કરી રહ્યાં છે.
સુનિતા વિલિયમ્સ આઇ.એસ.એસ.ની બહાર નીકળીને અફાટ અંતરિક્ષમાં સ્પેસવોક્સના પ્રયોગો કરશે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સુનિતા વિલિયમ્સ હવે ૨૦૨૫ના નવા વર્ષમાં એક કરતાં વધુ વખત સ્પેસવોક્સ કરશે.
સુનિતા વિલિયમ્સ ખાસ પ્રકારનો સ્પેસસ્યુટ પહેરીને સ્પેસવોક્સ કરશે.
સુનિતાએ સતત બે દિવસ સુધી તેના સ્પેસસ્યુટનું નિરીક્ષણ કર્યું હતું.
ભારતીય મૂળની અમેરિકન સુનિતા વિલિયમ્સે અત્યારસુધીમાં ત્રણ ત્રણ વખત સ્પેસ મિશનમાં સક્રિય હિસ્સો લીધો છે.
અગાઉથી નિશ્ચિત થયેલા કાર્યક્રમ મુજબ સુનિતા વિલિયમ્સ આઇ.એસ.એસ.ની ટીમનો હિસ્સો છે.
આ ટીમ આઇ.એસ.એસ.માંનાં વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણનું સર્વિસિંગ કરવા સહિત અન્ય મહત્વની કામગીરી કરે છે.
આ જ ટીમ આઇ.એસ.એસ.માં અત્યારસુધીમાં તૈયાર થયેલાં સંશોધનની માહિતી અને તેના નમૂના પૃથ્વી પર મોકલવામાં વ્યસ્ત છે.
આમ તો આ નમૂના સ્પેસ એક્સ ડ્રેગોન સ્પેસક્રાફ્ટ દ્વારા પૃથ્વી પર મોકલવાના હતા.
જોકે અમેરિકના ફ્લોરિડાના સમુદ્ર કિનારે અને તેનાથી દૂરના અંતરે હવામાન અનુકુળ નહીં હોવાથી ડ્રેગન સ્પેસક્રાફ્ટ મોકલવામાં વિલંબ થયો છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હવે ડ્રેગન ડિપાર્ચરની તારીખ ૨૦૨૪ની ૧૨, ડિસેમ્બરની હશે.
બીજીબાજુ આઇ.એસ.એસ.માં ડોન પેટ્ટીટ અને બુચ વિલ્મોર નામના અવકાશયાત્રીઓ સ્પેસ ફિઝિક્સ પર પ્રયોગો કરી રહ્યા છે.
ઉપરાંત, બાયોલોજીક ફ્લુઇડ્ઝમાંથી વાયરસ(ચેપનાં જંતુઓ)ને છૂટા પાડવાની પ્રક્રિયા દ્વારા રોગની સારવાર કરવાનો અભ્યાસ પણ કરી રહ્યા છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh