‘આ તો ડરામણું કહેવાય… ‘, પૂર્વ આઈ.એ.એસ. ની આખી રાત પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ IAS અધિકારી અનિલ ટુટેજાની કરવામાં આવેલી પૂરી રાત પૂછપરછ અને પછી સવારે 4 વાગ્યે ધરપકડ કરવા બદલ EDને ફટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ ડરામણી ઘટના છે.
જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ અગસ્ટિન જ્યોર્જ મસિહે કહ્યું હતું કે, કોર્ટ તેમની સાથે કરવામાં આવી રહેલા વ્યવહારને લઈને ચિંતિત છે.
ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે ED દ્વારા આ ગેરવર્તણૂક તેમની ધરપકડને રદ કરવાનો આધાર બની શકે નહીં.
આ સ્થિતિમાં અનિલ ટુટેજાને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, ‘અમે આ કેસમાં ખૂબ જ હેરાન કરનાર રેકોર્ડ જોયો છે.
20 એપ્રિલ 2020ના રોજ અરજદાર રાયપુરની ACB ઓફિસમાં બેઠો હતો.
પહેલા તેમને બપોરે 12 વાગ્યે ED સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આ પછી ACB કચેરીમાં પણ બીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું.
સાંજે 5.30 વાગ્યે તેમને ACB સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.
આ પછી તેમને વાનમાં ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
EDએ આખી રાત તેમની પૂછપરછ કરી અને સવારે 4 વાગ્યે તેમની ધરપકડ કરી હતી.’
ગેરકાયદેસર ધરપકડ કરાઈ- અનિલ ટુટેજાના વકીલ : પૂર્વ આઈ.એ.એસ. ની આખી રાત પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ
પૂર્વ IAS અધિકારી અનિલ ટુટેજા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે,
‘સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ તેમની સામે ધરપકડનો આદેશ રદ કર્યો હતો. તેના ત્રણ દિવસ પછી EDએ એક નવું ECIR દાખલ કરી દીધું હતું. અને તે પણ જૂના તથ્યો પર આધારિત હતું. જેથી કરીને આ ધરપકડ ગેરકાયદેસર છે. તેને કસ્ટડીમાં લેવાની જરૂર ન હતી.’
EDએ શું જણાવ્યું? : પૂર્વ આઈ.એ.એસ. ની આખી રાત પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ
તો બીજી તરફ ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું હતું કે,
EDના અધિકારીઓને એક પરિપત્ર જારી કરીને જણાવી દીધું હતું કે, આવા કિસ્સાઓ હવે પ્રકાશમાં ન આવવા જોઈએ. અને ઓફિસના સમય દરમિયાન જ નિવેદન નોંધવું જોઈએ. અને મોડી રાત સુધી આવી પૂછપરછ કરવાનું ટાળવું જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જ રાત્રે પૂછપરછ કરવી જોઈએ.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh