ઉત્તરાયણ પછી ગુજરાતમાં ગમે ત્યારે પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે, રાજકીય પક્ષોમાં ધમધમાટ
ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની 80 નગરપાલિકા સહિત ચારેક હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે. આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. એવી જાણકારી મળી રહી છે કે, ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય પક્ષોએ પણ અત્યારથી ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયારીઓ આદરી છે.
આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રથમ મતદાર યાદી જાહેર થશે
વિધાનસભાની ચૂંટણી જીતવાનો પાયો નાખવા ભાજપ-કોંગ્રેસે તો અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચ પણ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ માટે સજ્જ થયું છે. મીની ધારાસભા સમાન આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ મતદાર યાદીને ઓપ આપી રહ્યું છે. હજુ ઘણાં જિલ્લામાં મતદાર યાદીનું કામકાજ ચાલુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે.
નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે ભાજપ હજુ અવઢવમાં
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પાટીલના નિવાસસ્થાને યોજાયેલી ફેરવેલ પાર્ટી બાદ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળશે તેવી ચર્ચા ચાલી હતી પણ હજુ સુધી કોઈ ઠેકાણું પડ્યું નથી. નવા સંગઠનની રચના થઈ રહી હતી ત્યારે ઉંમરને લઈને બબાલ મચી છે જેના કારણે સંગઠન પ્રક્રિયા પર પણ રોક લાગી ગઈ છે. હજુ સુધી ભાજપ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની કમાન કોને સોપવી તે મુદ્દે નિર્ણય લઈ શકી નથી. જો કે, હજુ પાલિકા પંચાયતની ચૂંટણીઓ કોના વડપણ હેઠળ લડાશે તે નક્કી નથી. હવે એવી સ્થિતી સર્જાઈ છે કે, ભાજપે નવા સંગઠનની રચનાની સાથે સાથે પાલિકા-પંચાયતના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા કરવી પડશે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh