Aarti Machhi, Bharuch: ભગવાન રૂદ્રે એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્મા આ યજ્ઞમાં આહૂતિ આપવા અર્થે આવ્યા હતા. એ વખતે સૌંદર્યવતી દેવકન્યાઓને જોઈને બ્રહ્માનું વીર્ય સ્ખલિત થઈ ગયું હતું. તે સમયે સૂર્યે પોતાનાં કિરણોથી આ વીર્ય ખેંચીને યજ્ઞકુંડના અગ્નિમાં નાખી દીધું. અગ્નિની જ્વાળાઓના ભુગ ભુગ અવાજ સાથે એક તેજસ્વી બાળકનો જન્મ થયો અને તેનું નામ ભૃગુ પડ્યું.
ભૃગુઋષિ મહારાજની વંશાવલી
આમ, બ્રહ્માના વીર્યથી અગ્નિશિખામાંથી ભૃગુની ઉત્પત્તિ થઈ, તેથી તે બ્રહ્માના પુત્ર ગણાય છે. એમની વંશાવલી આ પ્રમાણે છે: બ્રહ્મા, ભૃગુ, ચ્યવન, પ્રમતિ, ગુરુ, શુનક અને શૌનક. હિડંબાની દીકરી હાટીકાના કહેવાથી 18 હજાર શિષ્યો સાથે ભૃગુઋષિએ નર્મદા કિનારે તપ કરી કુર્મની પીઠ પર બેસી વસાવ્યું ભૃગુ કચ્છ.
ભૃગુઋષિના આગમન પહેલા નર્મદા અને મહી નદીની વચ્ચેના ગાઢ વનમાં હેડંબા નામની રાક્ષસ કુળની સ્ત્રી રહેતી હતી. સ્થળ હેડંબા વન તરીકે ઓળખાતુ હતું.
આ હેડંબા પાંડવ ભાઈઓમાના ભીમને પરણી હતી. હેડંબાને બે દીકરીઓ હતી : હાટિકા અને તાડિકા. હાટિકાનું આમંત્રણ સ્વીકારીને ભૃગુ ઋષિ તેમના 18 હજાર ભાર્ગવો સાથે હેડંબા વનમાં આવ્યા અને નર્મદા કિનારે નંદન સંવત્સરમાં માઘ સુદી પાંચના દિવસે ભગવાન વિશ્વકર્માની સહાયથી ભૃગુકચ્છ વસાવ્યું.
રાજયમાં એક સાથે 17 શિવલીંગ ધરાવતુ એકમાત્ર ભૃગુઋષિ મંદિર
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આશરે 250 વર્ષ જુનું ભૃગુઋષિ મંદિર આવેલ છે. 17 શિવલીંગ ધરાવતું આ મંદિર ઈટો અને ચુનાથી બનેલું છે. આ મંદિર પૂર્વાભીમુખ છે અને તેના પ્રાંગણમાં પ્રવેશ માટેનું દ્વાર દક્ષિણ દિશામાં છે.
ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલીંગની સ્થાપના
ચોકના પશ્ચિમ ભાગે મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. શિવલીંગની સન્મુખ એક આરસની તક્તી છે. જેમાં ભગવાનના દશાવતાર કંડારવામાં આવ્યા છે. તક્તીમાં બલિરાજાને પગ નીચે દબાવતા વામન અને કંસનો વધ કરતા કૃષ્ણનાં બે વિશિષ્ટ સ્વરૂપોનો સમાવેશ થયો છે.
ગર્ભગૃહની અંદરની બાજુએ ચાર વેદના પ્રતીક રૂપે ચાર શિવલિંગોની સ્થાપના
મંદિરના ગર્ભગૃહની અંદરની બાજુએ ચાર વેદના પ્રતીક રૂપે ચાર શિવલિંગોની સ્થાપના કરવામાં આવી છે. તેમાં સૌથી વધારે ઊંચાઈ ઋગ્વેદની, તે પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જતી જોવા મળે છે.
ચતુર્વેદ સ્થાનકમાં ત્રણ અતિ પ્રાચીન પ્રતિમાઓ એક દીવાલમાં જડેલી છે. તેમાં ઈન્દ્રની, વરાહ અવતારની અને ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. બાજુના દેવાલયમાં નવનાથમાંના એક જ્વાળનાથ મહાદેવ છે. મંદિરના પટાંગણમાં ગણપતિનું મંદિર, ભૃગુઋષિની ગાદી રહેલી છે.
રીનોવેશનની કામગીરી દરમિયાન પીવાલાયક મીઠા પાણીનો પ્રાચીન કૂવો મળી આવ્યો
ભૃગુઋષિ મંદિરના રીનોવેશનની કામગીરી દરમિયાન પીવાલાયક મીઠા પાણીનો પ્રાચીન કૂવો મળી આવ્યો હતો. આ અંગે ભાર્ગવ સમાજના ટ્રસ્ટી રવિન્દ્રભાઇ હિંડીયાએ જણાવ્યું હતું કે, પુરાણોમાં પણ આ પ્રાચીન કૂવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૂવાનું પૌરાણિક મહાત્મ્ય હોવાથી તેનું પ્રભુના સ્નાન માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં 36 ફૂટ પાણી રહે છે. વર્ષ 2018માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
News18ગુજરાતી
ભૃગુઋષિ મંદિર નજીક આવેલા શનિદેવ મંદિર ખાતે શનિવારે ભક્તોની ભીડ જામે છે
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિર નજીક આવેલા શનિદેવ મંદિર ખાતે શનિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજ તેલ અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તો પ્રાર્થના કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર